Image Source: Twitter
Jharkhand Land Scam Case: ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પોતાના મોટા કાકા રાજારામ સોરેનના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં સામેલ ન થઈ શકશે. PMLA કોર્ટે વચગાળાના જામીનની તેમની અરજી નામંજૂર કરી દીધી છે. ઝારખંડના પૂર્વ સીએમને વચગાળાના જામીન નથી મળ્યા. રાંચીની સ્પેશિયલ PMLA કોર્ટે જમીન કૌભાંડ મામલે જેલમાં બંધ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.
પૂર્વ સીએમ હેમંત સોરેને પોતાના કાકાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કોર્ટ પાસે 13 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. તેના પર સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.
હેમંત સોરેનને વચગાળાના જામીન ન મળ્યા
હેમંત સોરેને આજે જ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, તેમના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલના રોજ નિધન થઈ ગયુ છે. તેમને તેમના કાકાના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. તેના માટે તેમણે 13 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા.
રાજારામ સોરેનનું નિધન
JMMના અધ્યક્ષ શિબુ સોરેનના મોટા ભાઈ રાજારામ સોરેનનું શનિવારે સવારે તેમના રાંચીના નિવાસસ્થાને નિધન થઈ ગયુ છે. શિબુ સોરેનના મોટા ભાઈ રાજારામ સોરેન લાંબા સમયથી બીમાર હતા.
જમીન કૌભાંડ મામલે ED દ્વારા હેમંત સોરેન ધરપકડ
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ કથિત જમીન કૌભાંડ મામલે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન હાલ રાંચીની બિરસા મુંડા હોટવાર જેલમાં બંધ છે. EDએ હેમંત સોરેન સામે બડગાઈ અંચલના 8.5 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ મામલે કાર્યવાહી કરી હતી. આ મામલે કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.