Krishna Mukherjee: ટેલિવિઝન શો ‘યે હૈ મોહબ્બતેં સે’ થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી ક્રિષ્ના મુખર્જી છેલ્લે શહેઝાદા ધામી સાથે ટીવી શો ‘શુભ શગુન’માં જોવા મળી હતી અને ત્યારથી તેણે ટીવીમાંથી બ્રેક લીધો હતો. જયારે હવે ક્રિષ્ના મુખર્જી શો છોડવાનું કારણ જાહેર કર્યું છે. 

ક્રિષ્ના મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું શો છોડવાનું કારણ 

આજે ક્રિષ્ના મુખર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ‘શુભ શગુન’ નિર્માતા પર તેમને હેરાન કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે તેના પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ પણ લગાવ્યો હતો જેના કારણે તેણે શૂટિંગ બંધ કરી દીધું હતું. તેમજ તેણે કહ્યું હતું કે નિર્માતાએ તેને મેક-અપ રૂમમાં પૂરી દીધી, જ્યારે તે કપડાં બદલી રહી હતી ત્યારે ખૂબ જ દરવાજો ખખડાવ્યો અને ઘણી વખત તેને ધમકાવી પણ હતી. 

શો કરવો એ સૌથી ખરાબ નિર્ણય

અભિનેત્રીની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ વાત કહેવાની મારામાં ક્યારેય હિંમત નહોતી, પરંતુ આજે મેં નક્કી કર્યું છે કે હવે હું તે જણાવીશ જ. હું મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું અને છેલ્લું દોઢ વર્ષ મારા માટે બિલકુલ સરળ નહોતું. હું ડિપ્રેસ અને બેચેન છું અને જ્યારે હું એકલી હોઉં છું ત્યારે રડી પડું છું. 

આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મેં દંગલ ટીવી માટે મારો છેલ્લો શો ‘શુભ શગુન’ કરવાનું શરૂ કર્યું. તે મારા જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતો. હું ક્યારેય આ કરવા માંગતી ન હતી, પરંતુ મેં અન્યની વાત સાંભળીને કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.  

પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન શાહે મને ઘણી વાર હેરાન કરી છે. એક વખત તો તેણે હું બીમાર હતી અને મને મારા કામ માટે પૈસા પણ મળતા ન હોવાથી મેં શૂટિંગ ન કરવાનું નક્કી કર્યું તો તેણે મને મારા મને મારા મેક-અપ રૂમમાં પૂરી દીધી હતી. 

એક વખત હું કપડાં બદલી રહી હતી અને ત્યારે તેણે એવી રીતે દરવાજો ખખડાવ્યો કે જાણે તેને તોડી નાખશે. આજ સુધી તેણે પાંચ મહિનાનું મારું પેમેન્ટ ચૂકવ્યું નથી અને તે ખરેખર મોટી રકમ છે. હું પ્રોડક્શન હાઉસ અને દંગલ ઑફિસમાં ગઈ છું તેમ છતાં તે મારી વાત સંભાળતો નથી. 

ક્રિષ્ના મુખર્જી સેટ પર અસુરક્ષિત અનુભવતી હતી

અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે સેટ પર અસુરક્ષિત અનુભવતી હતી અને તેથી તેણે શો છોડી દીધો હતો. તેણે લખ્યું, ‘ઘણી વખત ધમકીઓ પણ આપવામાં આવી હતી. જેથી હું અસુરક્ષિત અનુભવતી, હું ડરી ગઈ હતી. 

મેં ઘણા લોકો પાસેથી મદદ માંગી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ અંગે કોઈ કશું કરી શક્યું નહીં. લોકો મને પૂછે છે કે હું કોઈ શો કેમ નથી કરતી? આ કારણ છે. મને ડર લાગે છે કે ફરી એ જ ઘટના બને તો? મને ન્યાય જોઈએ છે.

આ લોકો આવ્યા એક્ટ્રેસના સમર્થનમાં 

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાની સાથે જ તેને તેના મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીના સહ કલાકારોએ તેને સપોર્ટ કર્યો હતો. તેમણે અભિનેત્રીને સમર્થન આપ્યું હતું અને કાયદાકીય કાર્યવાહી કરવા પણ કહ્યું હતું. અલી ગોનીએ ક્રિષ્નાને કહ્યું કે તે મુંબઈ પાછી આવ અને પોલીસ ફરિયાદ કરે. શ્રદ્ધા આર્ય, અદિતિ ભાટિયા, પવિત્રા પુનિયા અને અન્યોએ તેને ખાતરી આપી કે તે આ લડાઈમાં એકલી નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *