India China News | પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી ભારત સાથે ઘર્ષણમાં ઉતરેલા ચીનના કાવતરાંનો વધુ એક વખત પર્દાફાશ થઈ ગયો છે. ભારતને ઘેરવા માટે ચીને દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સીયાચેન નજીક ગેરકાયદે રીતે કબજો કરેલા કાશ્મીરમાં બાંધકામ શરૂ કરી દીધું છે. ચીન સીયાચેન ગ્લેશિયર નજીક કોંક્રિટનો રસ્તો બનાવી રહ્યું છે, જેનો ખુલાસો સેટેલાઈટ તસવીરોમાં થયો છે.

સીયાચેન નજીક શક્સગામ ઘાટીમાં ચીન કોંક્રિટનો રસ્તો બનાવી રહ્યું છે. શક્સગામ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો ભાગ હતું, પરંતુ ૧૯૬૨માં પાકિસ્તાને આ વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. ચીન જે રસ્તો બનાવી રહ્યું છે તે તેને ઝિજિયાંગ પ્રાંતના હાઈવે નંબર જી-૨૧૯થી નીકળે છે અને અંદર પર્વતોમાં જઈને ખતમ થાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ રસ્તો જ્યાં પૂરો થાય છે તે જગ્યા સીયાચેન ગ્લેશિયરમાં ઈન્દિરા કોલથી ૫૦ કિ.મી. દૂર છે. આ એ વિસ્તાર છે જ્યાં ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરે છે. માર્ચ મહિનામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં બે વખત પ્રવાસ કર્યો હતો. યુરોપીયન અવકાશ એજન્સી દ્વારા લેવાયેલી સેટેલાઈટ તસવીરો પરથી જાણવા મળે છે કે ચીન આ વિસ્તારમાં કોંક્રિટના રસ્તાનું નિર્માણ કરી રહ્યો છે અને આ માર્ગ ગયા વર્ષે જૂન અને ઑગસ્ટ વચ્ચે જ બનાવવાનું શરૂ કરાયું હતું.

કારગિલ, સીયાચેન ગ્લેશિયર અને પૂર્વીય લદ્દાખની સુરક્ષાની જવાબદારી ભારતીય સૈન્યની ફાયર એન્ડ ફ્યુરી કોરની છે. તેના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્માએ કહ્યું કે, આ રસ્તો સંપૂર્ણપણે ગેરકાયદે છે અને ભારતે ચીન સમક્ષ રાજદ્વારી માર્ગે વિરોધ નોંધાવવો જોઈએ.  અનેક નિષ્ણાતોનું માનવું છે કે શક્સગામ ખીણમાં ચીનનો રસ્તો મુખ્યરૂપે યુરેનિયમ જેવા ખનીજો લઈ જવા માટે બન્યો હોઈ શકે છે. કહેવાય છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનથી ઝિંજિયાંગ સુધી યુરેનિયમનું ઉત્ખનન કરવામાં આવે છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે આ રસ્તો ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ પર સ્થિત છે. આ ક્ષેત્ર ઐતિહાસિકરૂપે કાશ્મીરનો ભાગ છે અને ભારત તેને હંમેશા પોતાનું ક્ષેત્ર ગણાવે છે.અંદાજે ૫,૩૦૦ ચો. કિ.મી.માં ફેલાયેલા આ ક્ષેત્ર પર પાકિસ્તાને ૧૯૪૭ના યુદ્ધમાં કબજો કરી લીધો હતો. ત્યાર પછી ૧૯૬૩માં દ્વિપક્ષીય સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાને આ ક્ષેત્ર ચીનને સોંપી દીધું હતું. 

જોકે, ભારતે તેને ક્યારેય માન્યતા આપી નથી. ભારતીય સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે પીઓકેમાં યથાસ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનો ભંગ છે. ચીનનું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત માટે જોખમી બની શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *