Lok Sabha Elections 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રાજીનામા આપવાનો સિલસિલો શરૂ થયો હતો. ગત અઠવાડિયે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે આ બંને નેતા આવતીકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS )ના 200થી વધુ કાર્યકરો સાથે વિધિવત્ ભાજપમાં જોડાશે. જણાવી દઈએ કે, અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. અગાઉ તેઓ પાસના પણ નેતા રહી ચૂક્યા છે. 

મળતી માહિતી અનુસાર, ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં શનિવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા 26 એપ્રિલ, શનિવારના રોજ સુરતમાં આયોજિત એક ભાજપમાં જોડાશે. 

200 જેટલા PAASના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે!

2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) એ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો. સુરતમાં PAASના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે PAASના બે યુવા નેતાઓ સાથે 200 જેટલા PAASના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં PAASના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરિયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.

હાર્દિક પટેલે પાર પાડ્યું ઓપરેશન!

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા PAAS આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, ત્યારે તેમણે આપ છોડવાનો ઈનકાર કર્યો હતો. જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે. ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા)

2020માં કોંગ્રેસ સાથે PAASને થયો હતો ડખો

સુરત સહિત ગુજરાતમાં અનામત આંદોલન બાદ પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં અનામત આંદોલન સમિતિની ભારે પકડ જોવા મળી હતી. જેના કારણે 2015ની ચૂંટણીમાં PAASના સમર્થનમાં કોંગ્રેસને 37 બેઠક મળી હતી. જ્યારે 2020માં કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણીમાં ડખો થયો હતો અને PAASએ આપને સમર્થન આપ્યું હતું. આ સમર્થન એવું હતું કે સુરત પાલિકામાં પહેલીવાર આપની એક-બે નહી પરંતુ પુરી 27 બેઠકો આવી હતી.

જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમ છતાં સુરતની તમામ 12 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા યુથ આઈકોન છે, પરંતુ તેઓએ થોડા દિવસ પહેલાં આપમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાય તેવી અટકળો હતી. આ અટકળો હવે સાચી પડી રહી છે અને આવતીકાલ શનિવારે રાત્રે 8 વાગ્યે માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા PAASએ ભાજપનું એક સંમેલન થવા જઈ રહ્યું છે. જેમાં ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયા સાથે 200 જેટલા PAASના કાર્યકરો ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી આપ ના કેટલાક કોર્પોરેટર ભાજપમાં જોડાઈ રહ્યાં છે તેવી અટકળો ચાલી રહી છે પરંતુ આ કાર્યક્રમમાં આપ ના કોઈ કોર્પોરેટરો જોડાય તેવી શક્યતા હાલ દેખાતી નથી.

અલ્પેશ કથીરિયાની રાજકીય કારકિર્દી

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2022ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં આમ આદમી પાર્ટીએ વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલ 2024ના રોજ કથીરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું. છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું 

કોણ છે અલ્પેશ કથીરિયા?

અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જો કે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *