Lok Sabha Election : લોકસભા 2024ના ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો રોષ શાંત થતો નથી. કુંભાણીના ઘર અને બ્રિજ પર વિરોધી બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
સુરત કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ
સુરત લોકસભા બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક પૈકીની એક બેઠક છે પરંતુ આ બેઠક પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉભો રાખી માહોલ થાય તેવો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના નેતાઓની બેદરકારી અને કોંગ્રેસના ઉમેદવારની ભુલ કે સેટીંગના કારણે તેમનું ફોર્મ રદ્દ થયાં બાદ નાટકીય રીતે અન્ય ઉમેદવોરએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકશાહીનો હત્યારોના સ્ટીકરો વાહનો પર લાગ્યા
બે દિવસ પહેલાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો કુંભાણીના ઘરે જઈને વિરોધ કરી ચુક્યા હતા. તો ગઈકાલે આપના નેતાઓ શહેરમાં કુંભાણી વિરુદ્ધ બેનર લાગ્યા હતા. ત્યાર બાદ આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરમાં દોડતાં વાહનો પર કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી વિરોધ પ્રગટ કર્યો છે. શહેરમાં દોડતી સિટી બસ અને રિક્ષા પર દલાલ દલાલ… લોકશાહીનો હત્યારો અને મતદારોના મતાધિકાર પર તરાપ મારનારા ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચિપકાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે કહ્યું હતું એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે. ત્યારે કુંભાણીએ લોકોના અધિકાર છીનવી લીધો છે. રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે. ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી. નિલેશ કુંભાણીએ 18 લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
વધું વાંચો : નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ, ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન