Lok Sabha Elections 2024: સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. આ પછીથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ સુરત ખાતેના ઘરે ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ જેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. જો કે આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે કુંભાણી અચાનક જ પ્રગટ થયા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે.
નિલેશ કુંભાણીનો વીડિયો જાહેર
નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ‘હું મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મેં સગા સંબધીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાઈ ડરવાની જરુર નથી. બધાનો સાથ સહકાર લઈને પીટીસન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો.’
કુંભાણીના કોંગ્રેસ પર આક્ષેપ
આ ઉપરાંત નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂતાતને આડે હાથ લઈને કહ્યું હતું કે, ‘દૂધાત મારો ફોન ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા.’ કોંગ્રેસ નેતા પર આક્ષેપ કરતા નિલેશ કુંભાણીએ ક્હ્યું હતું કે, ‘કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા. બુથની માહિતી પણ કોંગ્રેસના નેતા આપતા ન હતા.’ આ સિવાય કુંભાણીએ જણાવ્યું હતું કે ‘જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં આગેવાન અમારી સાથે આવ્યા ન હતા.’
હું એકલો પ્રચાર કરતો હતો : કુંભાણી
કોંગ્રેસના આગેવાનો પર આકરા પ્રહાર કરતા કુંભાણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણી માટે મને એકલો મુકી દીધો હતો અને હું એકલો જ પ્રચાર કરતો હતો. અત્યારે જે આગેવાનો વિરોધ કરે છે તે ફુટી ગયા હતા. 2017માં મારી ટિકિટ આવી અને કપાય ગઈ ત્યારે ભાજપમાંથી મને ઓફર હતી કે ભાજપમાં જોડાઈ જાવ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસના વિરોધમાં નિવેદન આપો, તેમ છતાં મેં કોંગ્રેસ પાર્ટીને નુકસાની જાય તેવું નિવેદન આપ્યું ન હતું.’
સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદથી નિલેશ કુંભાણી ચર્ચાના કેન્દ્રમાં છે અને કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે એક વીડિયો જાહેર કરીને નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી નિલેશ કુંભાણી એકાએક ગાયબ થયા હતા અને તેનો કોઈ સંપર્ક થયો હતો.