– મેડિકલ સાયન્સ ક્ષેત્રે અભૂતપૂર્વક પ્રગતિ
– ન્યુજર્સીની મહિલાનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયાં હતાં, હાર્ટ પમ્પિંગ ડિવાઈઝ લગાવ્યાં બાદ સર્જરી
ન્યુયોર્ક : હાર્ટ ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર હોય છે. જ્યારે, કિડની ફેલ્યોરવાળા દર્દીઓ જો નસીબ હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર થતાં હોય છે. પરંતુ, કિડની અને હાર્ટ એમ બંને ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આશા ધૂંધળી હોય છે કારણકે, બંને અંગો યોગ્ય સમયે પ્રાપ્ત કરવા મુશ્કેલ હોય છે. અમેરિકાથી સામે આવેલા મામલામાં બંને ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલાને ડૂક્કરની કિડની અને હાર્ટ ડિવાઈઝ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાના એક પુરુષના શરીરમાં ડૂક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
એક રિપોર્ટ મુજબ, અમેરિકાના ન્યુજર્સીની રહેવાસી ૫૪ વર્ષીય લિઝા પિસાનોનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ હતી. એનવાયયુ લેન્ગોન હેલ્થના ડોક્ટર્સે તેની સમસ્યાનું સમાધાન બે સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લિઝાના હાર્ટમાં પમ્પિંગ ડિવાઈઝ લગાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં સફળતા મળતાની સાથે જ તેને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. એનવાયયુની ટીમની જાહેરાત મુજબ, હાલ લિઝા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
આ સાથે જ ડુક્કરની કિડની મેળવનાર લિઝા પ્રથમ મહિલા અને બીજી દર્દી બની ગઈ છે.એનવાયયુ લેન્ગોનના ડોક્ટર રોબર્ટ મોંટગોમરીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં લગભગ ૮,૦૮,૦૦૦ દર્દીઓની કિડની છેલ્લા સ્ટેજ પર છે. પરંતુ, ગત વર્ષે માત્ર ૨૭,૦૦૦ લોકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ શકય બન્યું હતું. લિઝાને ડુક્કરની કિડનીથી મળેલા નવજીવન સાથે નવી વૈજ્ઞાાનિક પદ્ધતિ સામે આવે છે. ઉલ્લેખનીય છે કે, લિઝાનું સ્વાસ્થ્ય એટલી હદે ખરાબ હતું કે, તેણે જીવવાની આશા છોડી દીધી હતી.
ડોક્ટર્સે ૪ એપ્રિલના રોજ લિઝાના હૃદયને શક્તિ આપવા માટે એલવીએડીનું પ્રત્યારોપણ કર્યું હતું અને ૧૨ એપ્રિલના રોજ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સર્જરીમાં હાલમાં લાંબા ગાળાની સફળતાની આગાહી કરવી શક્ય નથી પરંતુ, તેણે અત્યાર સુધી નવા અંગનો અસ્વીકાર કર્યો નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા અનેક દર્દીઓ માટે આ કિસ્સો આશાની કિરણ સમાન છે.