– યુ.એસ. અને જાપાને રજૂ કરેલ પ્રસ્તાવ અંગે વાંધો ઊઠાવતા રશિયાએ કહ્યું : તેમાં માત્ર પરમાણુ શસ્ત્રો જ નહીં તમામ શસ્ત્રો પ્રતિબંધિત કરો
યુનો : અંતરિક્ષમાં પરમાણુ શસ્ત્ર સ્પર્ધા રોકવા યુનોની સલામતી સમિતિમાં અમેરિકા અને જાપાને રજૂ કરેલો પ્રસ્તાવ રશિયાએ વીટો વાપરી ઉડાડી દીધો હતો.
બુધવારે મળેલી યુનોની સલામતી સમિતિની બેઠકમાં આ ઠરાવ રજૂ થયો ત્યારે રશિયાના પ્રતિનિધિ વેસીબી નેબેન્ઝીયાએ તે પ્રસ્તાવને તદ્દન અર્થહીન અને રાજકીય હેતુસરનો કહી તેની ઉપર વીટો વાપરી ઠરાવ ઉડાડી મુક્યો હતો. તેમણે કહ્યું કે, વાસ્તવમાં તે ઠરાવમાં તમામ માસ-ડીસ્ટ્રકશનનાં શસ્ત્રોનો ઉલ્લેખ થવો અનિવાર્ય છે.
૧૫ સભ્યોની બનેલી આ સલામતી સમિતિમાં ૧૩ સભ્યોએ ઉક્ત ઠરાવને ટેકો આપ્યો હતો અને મતદાન કર્યું ન હતું, જ્યારે રશિયાએ તેનો વિરોધ કર્યો હતો.
અમેરિકાના રાજદૂત થોમસ ગ્રીનફીલ્ડે કહ્યું હતું કે, આ મતદાન પછી રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને કહ્યું હતું કે, વાસ્તવમાં અંતરિક્ષમાં પરમાણુ શસ્ત્રો મુકવાનો રશિયાનો કોઈ ઇરાદો જ નથી.
આ પ્રસ્તાવમાં તમામ દેશોને ૧૯૬૭ના આંતરરાષ્ટ્રીય કરારોનો ઉલ્લેખ કરાયો હતો. તે પ્રમાણે અંતરિક્ષમાં કોઈ પણ શસ્ત્રો કે પરમાણુ શસ્ત્રો મુકવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં રશિયાએ વીટો વાપરતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મુખ્ય પ્રશ્ન છે શા માટે ? શા કારણસર ? જો તમે તે નિયમોને અનુસરતા જ હો તો તમે શા માટે તે નિયમોને ટેકો આપતા નથી, આ ઠારવ તો તે નિયમોને પુષ્ટિ આપે છે. તમો કશુંક છુપાવી રહ્યા છો. આ મગજ ચકરાવે ચઢાવે તેવું છે. તેમ અમેરિકાનાં રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફીલ્ડે કહ્યું હતું.
બીજી તરફ પુતિને એમ કહ્યું કે, અંતરિક્ષમાં પરમાણુ શસ્ત્રો મુકવાની રશિયાની કોઈ યોજના જ નથી.
વાસ્તવમાં વ્હાઈટ હાઉસે રશિયા ઉપર તેવો આક્ષેપ મુક્યો હતો કે, રશિયાએ એન્ટી સેટેલાઇટ કેપેબિલીટી (ઉપગ્રહો વિરોધી ક્ષમતા) સિદ્ધ કરી લીધી છે. જો કે હજી તેણે તે શસ્ત્રો સક્રિય કર્યા નથી. તેના જવાબમાં પુતિને ઉપર પ્રમાણે જણાવ્યું હતું.
ન્યુકિલયર વેપન્સ અંગે રશિયા અને ચાયનાએ અમેરિકા અને જાપાનના તે મુસદ્દા ઉપર સુધારો રજૂ કરતાં જણાવ્યું હતું કે અમે અંતરિક્ષમાં માત્ર વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રીક્શન ઉપર જ પ્રતિબંધ મુકવા નહીં પરંતુ દરેક પ્રકારનાં શસ્ત્રો અંતરિક્ષમાં મુકવા પર પ્રતિબંધ મુકવા અનુરોધ કરીએ છીએ. સાથે અમે યાદ આપવા માગીએ છીએ કે અમેરિકા અને તેના સાથીઓએ કેટલાક સમય પહેલા અંતરિક્ષમાં શસ્ત્રો વહેતા મુકવા યોજના ઘડી હતી. (તેનો અમલ નથી થયો તે જુદી વાત છે.)