દેશમાં 100 પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થનાર 56 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું : રાષ્ટ્રીય કક્ષાએ 28મા ક્રમે ઉત્તીર્ણ મીત પારેખ કોમ્પ્યુટર ક્ષેત્રે અને 44મા ક્રમે ઉત્તીર્ણ હર્ષલ કાનાણી એરોસ્પેસ એન્જિનીયરિંગમાં કારકિર્દી ઘડશે
રાજકોટ, : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની સર્વશ્રેષ્ઠ એન્જિનીયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જેઇઇ મેઇન્સની પોતાનું આજ રોજ પરિણામ જાહેર થયું હતું. કુલ 11,79,569 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવવામાં દેશનાં ૫૬ વિદ્યાર્થીઓ સફળ થયા હતા. તે પૈકી રાજકોટમાંથી બે વિદ્યાર્થીઓએ આ કઠીન પરીક્ષામાં 100 પર્સન્ટાઇલ મેળવી દેશભરમાં રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.
રાજકોટ છેલ્લાં કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર સહિતનાં જિલ્લાઓમાં શિક્ષણ ક્ષેત્રનું હબ બની રહ્યું છે. જેઇઇની મેઇન્સની પરીક્ષામાં 100 પર્સન્ટાઇલ સાથે દેશમાં 28મા ક્રમે ઉતીર્ણ થનાર મિત પારેખે આજ રોજ તેની સફળતાનાં રસપ્રદ રહસ્યો જણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, દરેક વિષયને શિસ્તબધ્ધ રીતે સમજવાથી કે શિખવાથી ચોક્કસ સારૂં રીઝલ્ટ મળી શકે છે. ભરપુર આત્મવિશ્વાસ કોઇપણ કામમાં સફળતા અપાવે છે. પરીક્ષા સંદર્ભે આયોજન પૂર્વકની મહેનત, સતત પ્રેકટીસ અને ડાઊટ ક્લીયર કરવાની તૈયારીને લીધે ગૌરવરૂપ પરિણામ મળ્યું છે. પરીક્ષા માટે જે માર્ગદર્શન અને પ્રેરણા મળવી જોઇએ. તે શિક્ષકોએ અને માતા – પિતાએ આપ્યા છે. કોમ્પ્યુટર આધારીત મોક ટેસ્ટમાં 988 હાજર રહેવાથી પરીક્ષાનો નજીકથી પરીચય થયો છે. જેના કારણે ઉજ્જવળ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી કોમ્પ્યુટર એન્જિનીયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તેણે ઇચ્છા વ્યકત કરી હતી.
રાજકોટનાં બીજા વિદ્યાર્થી હર્ષલ કાનાણીએ જેઇઇ – મેઇન્સની પરીક્ષામાં રાષ્ટ્રીય કક્ષામાં 44મો રેન્ક મેળવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે. તેણે એરો સ્પેસ એન્જિનીયરિંગ ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી પોતાની સફળતા માટે છેલ્લી ઘડી સુધીની પરીક્ષાની પુર્વે તૈયારીને કારણે ઉંચું પરિણામ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, અભ્યાસક્રમ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યા બાદ તેનું નિયમિત રીતે વિશ્લેષણ કરવું જરૂરી હોય છે. જેનાં કારણે દરેક વિષય સહેલાઇથી સમજી શકાય છે. વિષય સમજાયા બાદ તેનાં પ્રશ્નોનાં જવાબ તૈયાર કરવા માટે નિયમિત પ્રેકટીસ સમયબધ્ધ આયોજન જરૂરી છે. પરીક્ષા જ્યારે પ્રશિક્ષણનો હિસ્સો બની જાય છે. ત્યારે અધરી નથી લાગતી તેમ જણાવી તેણે સફળતા માટેનું શ્રેષ્ઠ શિક્ષકો – માર્ગદર્શકોને આભારી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટની વિદ્યાર્થિની કુ. દ્વિજા પટેલે પણ ગર્લ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા 58માં રેન્ક મેળવીને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું હતું. સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓમાં જબ્બર આત્મવિશ્વાસ છે. શિક્ષણ પ્રત્યેની ઊંડી લગનને કારણે તેળો ધાર્યું પરિણામ મેળવી શકે છે. શિક્ષણ ક્ષેત્રનાં તજજ્ઞા વિકાસ શર્માનાં જણાવ્યા મુજબ અહીંનાં વિદ્યાર્થીઓમાં ટેલેન્ટનું પ્રમાણ ખુબ ઉંચું જોવા મળે છે. સતત મોટીવેશન આપવાથી તેઓનો આત્મવિશ્વાસ વધતો જાય છે. કુટુંબીજનો તેને મદદરૂપ થતાં રહે છે. શિક્ષણનું વાતાવરણ ઘરમાંથી મળે છે. જ્યારે શિક્ષકો તેને પ્રશિક્ષણમાં ઉપયોગી થાય છે. જેનાં કારણે સૌરાષ્ટ્રનું નામ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવવંતુ બની રહ્યું છે.