ભારતનો સૌથી મોટો સેમીકંડકટર ચિપ્સનો પ્લાન્ટ સાણંદમાં સ્થાપવાથી મોબાઈલ ફોન એસી, ફ્રીજથી માંડીને બૂલેટ ટ્રેનનાં ઓપરેશનમાં વપરાતી સેંકડો સેમીકંડકટર ચિપ્સનું ઉત્પાદન ગુજરાતમાં થશે : ડીસે-2024માં સાણંદમાંથી પહેલી ચીપ્સનું પ્રોડકશન

રાજકોટ, : રાજકોટનાં આંગણે આજરોજ કેન્દ્રીય રેલ, કોમ્યિુનિકેશન, ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીનાં મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપક્રમે વિકસિત ભારત-૨૦૪૭ વિષય ઉપર સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થાપાયેલા સેમીકન્ડકટર ચિપ્સનાં ઉત્પાદનનાં પ્લાન્ટ વિશેની રસપ્રદ વિગતો આપી આગામી દિવસોમાં મેઈડ ઈન ગુજરાત નામાર્કા દર્શાવતી ઈલેકટ્રોનિકસ આઈટમોનાં ઉત્પાદન થકી ગુજરાત દુનિયાભરમાં છવાઈ જશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

સેમી કંડકટર ઈન્ડસ્ટ્રીઝ એ ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે સૌથી મહત્વનો ઉદ્યોગ છે. મોબાઈલ, ફ્રીઝથી માંડીને બલેટ ટ્રેન સહિતનાં ઉપકરણોને નિયંત્રિત કરવાનું કામ સેમીકંડકટર ચીપ્સ કરે છે. આ પ્રકારની વિગતો સાથે આજરોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં વડપણ હેઠળ આયોજિત સંવાદ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જે દેશ સેમીકંડકટર ચીપ્સનાં ઉત્પાદનમાં નંબરવન હશે તે દુનિયાનાં દેશોની ઉપર રાજ કરશે. સેમી કંડકટર ચીપ્સનાં ઉત્પાદન માટે કેમીકલ ઉદ્યોગ સહાયભુત હોય છે. જે અહી ગુજરાતમાં દહેજ ખાતે અનુકૂળ હોવાથી દેશનાં વડાપ્રધાને સેમીકંડકટર ચિપ્સનાં ઉત્પાદન માટે ગુજરાતમાં સાણંદ પસંદ કર્યું છે. અહીથી ડીસે- 2024 માં પ્રથમ સેમીકંડકટર ચીપ્સનું ઉત્પાદન શરૂ થશે. રૂા. 1 લાખ 22,000 કરોડનાં ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ થકી ગુજરાતનાં ઉદ્યોગોને નવી દિશા મળશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં રેલ્વેનાં પ્રશ્નોને ઉજાગર કરતા તેઓએ ઉમેર્યું હતું કે, દેશનાં ૧૩૨૦ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે. જેમાં રાજકોટ રેલ્વેસ્ટેશન ઉપરાંત પડધરી, ભક્તિનગર અને વાંકાનેર રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાયછે. રાજકોટ રેલ્વે સ્ટેશનની નવી ડીઝાઈન તૈયાર થઈ રહી છે. સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટનાં ડબલ ટ્રેકનું કામ પુરૂ થયું છે. રાજકોટ – કાનાલુસ ડબલ ટ્રેકનું કામ ચાલુ છે. અલબત રાજકોટ અમદાવાદ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ફેન્સીંગનું કામ પુરૂ થયા પછી રાજકોટ અમદાવાદ વચ્ચે ટ્રેનો 130  કિ.મી.થી વધુ ઝડપથી દોડશે. બેથી અઢી કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે. વધુમાં તેઓએ વધુ રેલ સુવિધા ઉભી કરવા માટે ગત વર્ષે 5300 કિ.મી.નાં રેલ્વેનાં પાટા નાખવામાં આવ્યા હોવાનું જણાવી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જોડાવવા રાજકોટનાં ઉદ્યોગકારોને નિમંત્રણ પાઠવ્યું હતું.

વિકસિત ભારત 2047 ની કલ્પના થકી દેશને આર્થિક રીતે મજબુત બનાવવા 2014 પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેની રસપ્રદ વિગતો રજુ કરી કોંગ્રેસનાં કાળની નબળી આર્થિક નીતિની આલોચના કરી હતી. જીએસટીનાં અમલીકરણને કારણે થયેલા આર્થિક અને વ્યવસાયિક ફાયદા, બેંકિંગ ઉદ્યોગોનો વિકાસ અને ઉત્પાદનની સ્વનિર્ભર પ્રણાલીને કારણે વિકાસ ક્ષેત્રે ભારત જે હરણફાળ ભરી રહ્યું છે. તેના કારણે 2047 સુધી ભારતને દુનિયામાં આગળ વધતા કોઈ નહી રોકી શકે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનાં પુર્વાધમાં રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શૈલેષ સગપરિયાએ સંભાળ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *