મોટાભાગનાને વર્ષ 2022-23માં પાક. મરીન ઉઠાવી ગઈ હતી  : તા. 1 મેના દિને વાધા બોર્ડર પહોંચશે  : પરિવારજનો ખુશઃ જો કે, એ સિવાયના હજુ 153 માછીમારો પાકિસ્તાન જેલમાં બંદીવાન રહેશે 

પોરબંદર, : પાકિસ્તાનની મરીન સીકયુરિટી એજન્સી દ્વારા ઉઠાવી જવામાં આવેલા અને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવેલા ભારતીય ખલાસીઓ પૈકી 35 માછીમાર અને 1 સિવિલિયન સહિત 36 લોકોને પાકિસ્તાન સરકાર આખરે 30મી એપ્રિલે મુકત કરશે. જો કે, આટલા બંદીવાનો છૂટી જશે ત્યારબાદ પણ 153  જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં રહેશે.

પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વપ્રમુખ અને ખારવાસમાજના અગ્રણી જીવનભાઇ જુંગીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાની મરીન સિકયુરીટી એજન્સી દ્વારા અનેક ભારતીય માછીમારોને બંદીવાન બનાવવામાં આવે છે. તેમાં સૌથી વધુ માછીમારો ગુજરાતના હોય છે ત્યારે હાલ પાકિસ્તાની જેલમાં સબડી રહેલા માછીમારો પૈકી 36 જેટલા લોકોને પાકિસ્તાનની જેલમાંથી 30 એપ્રિલના મુકત કરવામાં આવશે, જેમાં 35 માછીમારો છે અને 1 સીવીલીયન હોવાનું જાણવા મળ્યુ છે. તેમણે ઉમેર્યું હતુ કે પાકિસ્તાન દ્વારા ઉઠાવી જવામાં આવેલા માછીમારો પૈકી વર્ષ 2022-23 માં જે ખલાસીઓને ઉપાડી જવામાં આવ્યા હતા તે પૈકીના આ 36 હોવાનું સામે આવ્યુ છે. વધુમાં પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની જેલમાં બંદીવાન માછીમારો પૈકી વર્ષ 2021માં પકડી જવામાં આવેલા અનેક માછીમારોને હજી મુકત કરવામાં આવ્યા નથી, તેમની ડોકયુમેન્ટ વેરીફીકેશનની કામગીરીમાં કોઇ વિલંબ થયો હોવાથી અને તેની ઓળખ અંગેની કામગીરી નહીં થઇ હોવાથી છોડવામાં આવ્યા નથી ત્યારે તેમની પાસેથી એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે, જેમાં તેમની પીડા દર્શાવાઇ છે.

તા. 30મી એપ્રિલના પાકિસ્તાન દ્વારા ખલાસીઓને છોડવામાં આવનાર છે તેવી જાહેરાત થતા તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે. આ તમામ માછીમારો પહેલી મેના રોજ વાઘા બોર્ડર પર પહોંચશે ત્યારબાદ સરકાર તેનો કબ્જો લેશે. છોડવામાં આવી રહેલા 35  જેટલા માછીમારો પૈકી એક માછીમાર વિજય મોહન નામનો યુવાન ખલાસી પોરબંદરનો હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *