કુલપતિ કાર્યાલય સામે થાળી વગાડી, રામધૂન બોલાવી દેખાવો : BCA-4ની પરીક્ષામાં પ્રશ્નો લીક કરનાર કોલેજ સામે 48 કલાકમાં પોલીસ ફરિયાદ સહિતનાં પગલાં લેવાની માંગ : બે કલાક સુધી તડાફડી બોલી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીસીએ સેમે-4 નાં પ્રશ્ન પેપરમાં પુછવામાં આવેલા પ્રશ્નો હાથેથી લખીને સોશ્યલ મીડીયા ઉપર વાઈરલ કરાનાં બનાવનાં વિરોધમાં ગઈકાલે વિદ્યાર્થી પરીષદ દ્વારા નાટયાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યા બાદ રાજકોટ એનએસયુઆઈ અને છાત્ર યુવા સંઘર્ષ વાહિની દ્વારા સંયુક્ત રીતે યુનિ.માં હલ્લા બોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિ.એ પ્રશનો લીક કરનાર વિદ્યાર્થી કે કોલેજો સામે કોઈ કાયદેસરનાં પગલાં નહી લેતા યુનિ.ના મેઈન બિલ્ડીંગમાં આવેલા કુલપતિ કાર્યાલય સામે થાળી વગાડી, રામધૂન બોલાવી આ બાબતે 48  કલાકમાં પગલાં લેવાની તાકીદ કરી હતી. 

સૌરાષ્ટ્ર યુનિ.માં બીસીએ સેમે-૪ની પરીક્ષા દરમિયાન ગત તા. 15- 16 ને 18 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રત્યેક પેપરમાંથી પાંચ પાંચ માર્કનાં પ્રશ્નો હાથેથી લખીને સોશ્યલ મીડીયામાં વાઈરલ કરવામાં આવ્યા હતાં. આ બાબતે વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ કોલેજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાને બદલે નિવૃત જજની કમીટીની રચના કરવાનું જાહેર કરી યુનિ.એ જાણે હાથ ખંખેરી નાખ્યા હોય તેવી છાપ ઉભી થતા આજે વિદ્યાર્થી કાર્યકરો યુનિ. કાર્યાલયે ધસી ગયા હતાં. બીસીએ સેમે-4 ની પરીક્ષાનાં પેપરમાં રાજકોટમાં જ કેટલાક રાજકીય આગેવાનની કોલેજો સંડોવાયેલી હોવાથી પગલાં લેવામાં આવ્યા નથી. કાયદાકીય પગલાં લેવામાં યુનિ. ડરી રહી છે. તેથી પગલાં લેવામાં આવ્યા નથી.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીસીએ સેમે-4ની પરીક્ષામાં જે કોલેજ સંડોવાયેલી હોય તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા, આ પરીક્ષાનું કેન્દ્ર રદ કરવા અને આગામી દિવસોમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થી કાર્યકરોની ઉગ્ર રજૂઆતોનાં પગલે યુનિ.નાં મેઈન બિલ્ડીંગમાં બેકલાક સુધી આજે પણ વાતાવરણમાં ગરમાવો રહ્યો હતો. અધિકારીઓ સાથે વિદ્યાર્થી કાર્યકરોની શાબ્દિક ટપાટપી બાદ પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *