Ahmedabad: અમદાવાદમાં બુધવારે રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વસ્ત્રાપુર વિસ્તારમાં બની ઘટના
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં આ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં મંદિરના જીણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. આ દરમિયાન એક 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડીવારમાં માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી.
આ કારણે ઘટના બની
ટ્રાફિક ડીસીપી સફિન હસને આ જૂથ અથડામણ વિશે જણાવ્યું હતું કે મંદિરમાં મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા માટે પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે મામલાને શાંત પાડ્યો છે અને હાલ ઘટનામાં કોણ કોણ સામેલ હતા તેની તપાસ શરુ કરી દેવામાં આવી છે.