(પ્રતિકાત્મક ફોટો) અમદાવાદ,ગુરૂવાર
શહેરના વસ્ત્રાપુર ભરવાડવાસમાં બુધવારે રાધાકૃષ્ણ મંદિરના પાટોત્સવની
કંકોત્રીમાં નામ લખવાના મામલે બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલાનું મોત નીપજ્યું
હતું. જ્યારે સાતથી વધારે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે
હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે ગાંધીનગર ટ્રાફિક
પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોવિંદ ભરવાડ સહિતના આરોપીઓ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો
નોંધીને કાર્યવાહી કરી છે. વસ્ત્રાપુર ભરવાડવાસમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર નજીકના પ્લોટની
ખરીદીને લઇને સ્થાનિક લોકોમાં લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેમાં એક જ સમાજના ૮૦ અને
૨૪ મકાનોના ભાગ પડી ગયા હતા. બીજી તરફ રાધાકૃષ્ણ
મંદિરનો પાટોત્સવ હોવાથી કંકોત્રી તૈયાર કરીને
તેમાં નામ લખવા બાબતે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. આ મામલે સમાધાન માટે બુધવારે
સાંજના બેઠક યોજી હતી. પરંતુ,
બેઠક શરૂ થાય તે પહેલા ગોવિંદભાઇ ભરવાડ,
ભવાનભાઇ, લક્ષ્મણભાઇ
ભરવાડ અને ભાવનાબેન સહિતના લોકોએ સામેના પક્ષના લોકો ઉપર પથ્થરમારો કરાયો હતો. જે બાદ
સ્થિતિ વણસી હતી અને સામસામે પથ્થરમારો થયો
હતો.જેમાં લીરીબેન ભરવાડ સહિત બંને પક્ષે સાતથી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર
માટે તમામને નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં લીરીબેનનું મોત નીપજ્યું હતું. આ
બનાવ બાદ સ્થિતિ વણસે નહી તે માટે વસ્ત્રાપુર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ગોવિંદભાઇ
ભરવાડ નામના આરોપી ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા હોવાનું
જાણવા મળ્યું છે. રાધાકૃષ્ણ મંદિર પાસેનો પ્લોટ ગોવિંદભાઇને લેવાનોે હતો. જે અન્ય વ્યક્તિએ
ખરીદી લીધા બાદ વિવાદ ચાલતો હતો.