Mangalsutra History : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી સભામાં મંગળસૂત્રનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ લોકોની મહેનતની કમાણી અને સંપત્તિ ઘૂસણખોરોને સોંપી દેશે. કોંગ્રેસના વિચારો અર્બન નક્સલ જેવા છે. મારી માતાઓ અને બહેનો તેઓ તમારું મંગળસૂત્ર પણ નહીં છોડે. વડાપ્રધાનના આ નિવેદન બાદ મંગળસૂત્ર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. મંગળસૂત્ર એટલે એક રીતે આપણા ભારતીય સમાજનો અવાજ છે, કારણ કે આપણા જીવનમાં તિલક અને કંઠી-માલાથી પણ સૌથી મહત્વનું અભિન્ન અંગ મંગળસૂત્ર છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જોશો તો તમામ વિવાહિત હિન્દુ મહિલાઓના ગળામાં મંગળસૂત્ર જોવા મળશે. હિન્દુ મહિલાઓના વિવાહની ઓળખ પણ આ મંગળસૂત્ર જ છે. હિંદુ ધર્મમાં લગ્ન પછી મહિલાઓ માટે ગળામાં મંગળસૂત્ર અને માથામા સિંદુરનું ખૂબ મહત્ત્વનુ છે. મંગળસૂત્રને પતિ-પત્નીનું રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે પરંતુ મહિલાઓ લગ્ન પછી મંગળસૂત્ર કેમ પહેરે છે તેનો પણ એક અલગ ઇતિહાસ છે અને ભારત સિવાય પણ ઘણા દેશોની મહિલાઓ પણ મંગળસૂત્ર પહેરે છે.
મંગળસૂત્રનો અર્થ?
મંગલસૂત્ર એ બે શબ્દો મંગલ અને સૂત્રથી બનેલું છે. ‘મંગલ’ એટલે પવિત્ર અને ‘સૂત્ર’ એટલે પવિત્ર હાર. હિંદુ ધર્મમાં મંગલસૂત્રને વૈવાહિક જીવનનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. જો કે, તેનું સ્વરૂપ પણ વિવિધ ક્ષેત્રોમાં બદલાય છે. કેટલીક જગ્યાએ મંગળસૂત્રમાં સોના, સફેદ કે લાલ માળા પણ ઉમેરવામાં આવે છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિંદુઓ ઉપરાંત સીરિયન ખ્રિસ્તીઓ જેવા બિન-હિંદુ લોકો પણ મંગળસૂત્ર પહેરે છે.
મંગળસૂત્ર પહેરવાની પરંપરા છઠ્ઠી સદીમાં શરૂ થઈ
મંગલસૂત્રનો ઈતિહાસ આદિ ગુરુ શંકરાચાર્યના પુસ્તક ‘સૌંદર્ય લહરી’માં પણ જોવા મળે છે. ઈતિહાસકારોના મતે મંગળસૂત્ર પહેરવાની પરંપરા છઠ્ઠી સદીમાં શરૂ થઈ હતી. મોહેંજોદડોના ખોદકામમાં મંગળસૂત્રના પુરાવા પણ મળ્યા છે. મંગલસૂત્ર પહેરવાનું સૌપ્રથમ દક્ષિણ ભારતમાં શરૂ થયું. આ પછી ધીરે ધીરે આ રિવાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રચલિત થયો. માહિતી અનુસાર, મંગળસૂત્રને તમિલનાડુમાં થાલી અથવા થિરુ મંગલ્યમ કહેવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતમાં તેને મંગલસૂત્ર કહેવામાં આવે છે.
પાંડવોએ દ્રૌપદીને આપ્યા હતા જુદાં-જુદાં ઘરેણા
મહાભારતમાં એવું વર્ણન કરાયું છે કે, પાંચ પાંડવોએ દ્રૌપદી સાથે લગ્ન કરતી વખતે તેમને અલગ અલગ ઘરેણાં આપ્યા હતા. તેમાં કર્ણ ફૂલ (બુટ્ટી), ગળાનો હાર, કડા, મણિબંધ (કમરમાં પહેરાતો દોરો) અને મુંદરી (વિંટી)નો સમાવેશ થાય છે. તેવી જ રીતે, જ્યારે શ્રી કૃષ્ણે રુક્મિણીનું અપહરણ કરી તેમની સાથે લગ્ન કર્યા, ત્યારે તેમણે વનફૂલની માળા પહેરાવી રુક્મિણીનો સ્વીકાર કર્યો હતો.
મંગળસૂત્ર સાથે સંકળાયેલી શિવ-પાર્વતીની લોકવાયકા
મંગલસૂત્રના બંને પેન્ડન્ટને શિવ-પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેલુગુમાં મનાતી પૌરાણિક લોકવાયકા મુજબ, જ્યારે શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા ત્યારે તેમને તેમના પૂર્વ જન્મની યાદ આવી ગઈ હતી. ત્યારે શિવને દુ:ખ થયું કે, જો સતી તેના પિતાના દક્ષ યજ્ઞમાં ન ગઈ હોત તો તે બળીને રાખ ન થઈ હોત અને બીજું, જો ત્યાં હું સાથે હોત તો કદાચ ખરાબ સ્થિતિ ન સર્જાઈ હોત… ત્યારે શિવ ભગવાને હળતર અને ચંદનના દોરામાં પોતાની શક્તિ બાંધીને પાર્વતીજીના ગળામાં પહેરાવી હતી. તેથી તેલુગુ લગ્ન પરંપરામાં તેનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.
પતિના લાંબા આયુષ્ય માટે પહેરવામાં આવે છે મંગળસૂત્ર
જો કે, ભારતમાં એવા ઘણાં સમુદાયો છે જેમાં મંગળસૂત્ર પહેરવામાં આવતું નથી. તેના બદલે અન્ય વૈવાહિક પ્રતીકો પહેરવામાં આવે છે. ઉત્તર ભારતના મોટા ભાગોમાં, પરિણીત સ્ત્રીઓ તેમના ગળામાં ખીજડા, કાચની બંગડીઓ અને ગળાનો હાર પહેરે છે. હિન્દુ પરંપરા અનુસાર પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર પહેરવામાં આવે છે.
મંગળસૂત્ર ઉતારવાનો સમય?
પ્રાચીન સમયમાં, કન્યાના દાગીના પણ વૃદ્ધાવસ્થા અને વિધવાના કિસ્સામાં નાણાકીય સુરક્ષા તરીકે સેવા આપતા હતા. ડૉ. બાલકૃષ્ણન અને મીરા સુશીલ કુમારે તેમના પુસ્તક ‘ઇન્ડિયન જ્વેલરીઃ ધ ડાન્સ ઓફ ધ પિકોક’માં લખ્યું છે કે, ઐતિહાસિક રીતે ભારતમાં દાગીના એ વૈવાહિક જીવનનું શુભ પ્રતીક હતું. જ્યારે તે મહિલા વિધવા બની હતી ત્યારે જ તે મહિલા મંગળસૂત્રને નીચે ઉતારતી હતી. અથર્વવેદ વિશેના પુસ્તકમાં લખ્યું છે કે, કન્યાના પિતાએ એવું કહીને લગ્ન સંપન્ન કર્યા કે હું સોનાના ઘરેણાંથી શણગારેલી આ કન્યા તમને સોંપું છું. એટલે કે, મંગળસૂત્રને પવિત્ર ગણવામાં આવે છે.
મંગલસૂત્રની માન્યતાઓ
મંગલસૂત્રને લઈને વિવિધ પ્રદેશોની પોતપોતાની માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમાં રહેલા કાળા મોતી ભગવાન શિવનું સ્વરૂપ છે અને સોનાનો સંબંધ માતા પાર્વતી સાથે છે. મંગલસૂત્રમાં નવ માળા હોવાનું માનવામાં આવે છે. આ મા દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવ માળા પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિનું પ્રતીક પણ માનવામાં આવે છે. મંગલસૂત્ર એ સ્ત્રીઓના 16 શણગારોમાંનું એક છે.