પ્રચારને બૂસ્ટર ડોઝ આપવા સૌરાષ્ટ્ર આવતા મહાનુભાવો કાલે કેન્દ્રીય રેલમંત્રી રાજકોટમાં, તા. 27ના અમિત શાહની જામકંડોરણામાં સભા પહેલા રાજકોટના નેતાઓ સાથે બેઠક
રાજકોટ, : આગામી તા. 7 મેના યોજાનાર મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 1, 2 મેના રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર તા.૨ મેના તેઓ જામનગર અને જુનાગઢમાં સભા અને સંભવતઃ રોડ શો યોજશે.
ગત ધારાસભા ચૂંટણી વખતે વડાપ્રધાન રાજકોટમાં સભા કરી હતી પરંતુ, આ વખતે તેઓએ રાજકોટ આવવાનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. તેઓ સીધા જ જામનગર અને જુનાગઢ જશે. જામનગરમાં સાંજે ૫ વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેમની સભા યોજાઈ રહી છે જે અન્વયે તૈયારી હાથ ધરાઈ છે.
દરમિયાન તા. 26 ના શુક્રવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજકોટ આવી રહ્યા છે. તેમની હાજરીમાં સવારે 9 વાગ્યે રૈયારોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં આવવા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું છે. બીજી તરફ, તા. 27 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર મતવિસ્તારમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધશે. આ પહેલા તેઓ રાજકોટ હવાઈમાર્ગે આવીને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. બન્ને મહાનુભાવોની મુલાકાતને લઈને પોલીસ, પ્રશાસન તથા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.