Lok Sabha Elections 2024: વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય એવા ભાજપના આગેવાને રાહુલ ગાંધી (Rahul Gandhi) વિશે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડા અને દિવ્યાંગો વિશે નિવેદન આપ્યું હતું. આ અંગેની તપાસ બાદ વિસાવદર આચારસંહિતા અમલીકરણ અધિકારીએ જિલ્લાના નોડલ અધિકારીને રિપોર્ટ કરી પૂર્વ ધારાસભ્યએ આચારસંહિતા ભંગ કર્યાનું જણાય છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે આચારસંહિતા ભંગ કર્યો નથી એવો રિપોર્ટ સોંપ્યો છે. જો કે, અરજદારે જિલ્લા ભાજપ પ્રમુખને આ રીતે અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે.

વિસાવદરમાં તારીખ 22ના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભુપત ભાયાણી (Bhupat Bhayani)એ રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય એવું જાહેર નિવેદન આપ્યું હતું.જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે નિવેદન કરી કહેલું કે રાજાની પટરાણી બોબડી હોય કે લુલી હોય તેની કુખેથી જે દીકરો હોય એ રાજા બનતો, હવે મતપેટીમાંથી રાજા બને છે.

આ બંને આગેવાનો સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા ફરિયાદ થઈ હતી. વિસાવદર ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અધિકારીએ ફરિયાદ બાદ તા.૨૨ના કાર્યક્રમ અંગેનો રિપોર્ટ આજે વિસાવદર એ.આર.ઓ.ને આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમાં એવું દર્શાવાયું છે કે ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાય છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે (Kirit Patel) વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ થતો ન હોવાનો રિપોર્ટ કર્યો છે. આ રિપોર્ટ જિલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખને ચૂંટણી તંત્રએ ક્લીનચીટ આપી છે પરંતુ તેની સામે અરજદાર અને લોગપાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડીયાએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરી કહ્યું છે કે ચૂંટણી પંચની લુલા, લંગડા, બાડા, બોબડાના બદલે દિવ્યાંગ શબ્દ વાપરવાની સૂચના છે પરંતુ આ કિસ્સામાં એમ થયું નથી છતાં ક્લીન ચીટ આપવામાં આવી છે, જેની સામે વાંધો લઈ કાર્યવાહી કરવા માંગ કરી છે. હવે પૂર્વ ધારાસભ્ય સામે ક્યારે અને શું કાર્યવાહી થાય છે એ જોવુ રહ્યું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *