સુરતના કોંગ્રેસના ગદ્દાર ઉમેદવાર મુદ્દે અમરેલીના પ્રતાપ દુધાતે કહ્યું વાણી વિલાસ અંગે જ્યારે દુધાતને પુછાયું ત્યારે કહ્યું-ભાજપ જે ભાષામાં સમજે તે ભાષામાં જ જવાબ દેવો પડેવળતો વાણી વિલાસ : ભુપત ભાયાણીને કહ્યું-તમારા ઘરેથી રાહુલ ગાંધીના ઘરમાં કોણ ગયું હતું કે તેનામાં ખામી હોવાની ખબર પડી!
રાજકોટ, : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના ઉપરાઉપરી વિવાદાસ્પદ નિવેદનોના પગલે હવે કોંગ્રેસના નેતાઓએ પણ જીભને છૂટોદોર આપ્યો હોય તેમ આજે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નીલેશ કુંભાણીએ પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરતા સુરત બેઠક ભાજપને લડયા વગર મળી ગઈ તે અંગે એક કાર્યક્રમમાં ખુલ્લી ચીમકી આપતા કહ્યું- સુરતમાં જેણે ગદ્દારી કરી છે તે નીલેશ કુંભાણીને હું છોડવાનો નથી, તેણે અને તેના ત્રણ ટેકેદારોએ જ્યાં સંતાવું હોય ત્યાં સંતાય જાય, પાટિલના ઘરમાં જાય પણ સુરતમાં કાં કુંભાણી રહેશે અને કાં પ્રતાપ દુધાત રહેશે, સ્મશાન સુધી તેને હું છોડવાનો નથી.
તેમણે મિડીયા સમક્ષ એવી ખુલ્લી ચીમકી આપી હતી કે કોંગ્રેસ સાથે ગદ્દારીનું શુ પરિણામ આવે તે તા.૭ પછી તેઓ સુરત જઈને નીલેશ કુંભાણીને દેખાડી દેશે.તેણે પક્ષ અને પ્રજાની પીઠમાં ખંજર ભોંક્યું છે.
આ ઉપરાંત રાહુલ ગાંધી વિષે અભદ્ર ટીપ્પણી કરનાર ભુપત ભાયાણી સામે રોષ ઠાલવતા તેમણે કહ્યું ધમકી જાહેર મંચ ઉપર મિડીયા સમક્ષ એવો વાણી વિલાસ કર્યો હતો કે ભાયાણીના ઘરમાંથી રાહુલ ગાંધીના ઘરે કોણ ગયું હતું કે જેથી તેમનામાં ખામી છે તે ખબર પડી. તેમણે ઉમેર્યું કે ભાજપમાં કોંગ્રેસના જે જે નેતાઓ ગયા તે કોઈ પ્રજા માટે નથી ગયા પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે જ ગયા છે.આ અંગે તેમણે બાદમાં મિડીયા સમક્ષ પોતાની વાતનો બચાવ કર્યો હતો અને કહ્યું કે ભાજપ જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ દેવો પડે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં કુંભાણી અને ભાયાણી સામે તીવ્ર આક્રોશ ભભુક્યો છે. રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે નીલેશ કુંભાણી કોંગ્રેસના કેડરબેઝ કાર્યકર ન્હોતા, પાસ વખતે આવ્યા હતા અને તેણે અગાઉથી યોજના ઘડીને તેને અંજામ આપ્યો છે અને તેમાં અમારા પ્રભારી વગેરે કાચા પડયા છે.