EVM – VVPAT Case : સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા વોટો સાથે તમામ વોટર-વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) ની તમામ કાપલીનો તાળો મેળવવાની અરજીઓને લઈને બુધવારે સુનાવણી કરી. બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે EVM-VVPAT મામલે તકનીક સાથે જોડાયેલા ચાર-પાંચ વધુ પોઈન્ટ્સ પર જાણકારી માગી અને ચૂંટણી પંચના અધિકારીઓને બપોરે બે વાગ્યા બાદ બોલાવ્યાં હતાં.
આ સુનાવણી બાદ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દત્તાની બેન્ચે કહ્યું કે, ‘અમે ચૂંટણીને કંટ્રોલ કરી શકતા નથી, અમે કોઈ અન્ય બંધારણીય સત્તાના કાર્યને નિયંત્રિત કરી શકતા નથી. ચૂંટણી પંચે શંકા દૂર કરી દીધી છે. અમે તમારી વિચાર પ્રક્રિયાને બદલી શકતા નથી, અમે એ નહીં કરી શકતા કે માત્ર શંકાના આધારે સુપ્રીમ ઓર્ડર જારી કરી દે.’
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, ‘અમે મેરિટ પર બીજીવખત સુનાવણી કરી રહ્યાં નથી. અમે અમુક નક્કી સ્પષ્ટીકરણ ઈચ્છીએ છીએ. અમારા અમુક પ્રશ્ન હતાં અને અમને જવાબ મળી ગયા. નિર્ણય સુરક્ષિત રાખી રહ્યાં છીએ.’
આ દરમિયાન કોર્ટમાં અડધા કલાકથી વધુ સમયની સુનાવણી ચાલી. અરજીકર્તાઓ પૈકી માંથી એક માટે વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે, ‘EVMમાં પ્રોસેસર ચિપ માત્ર એક વખત જ પ્રોગ્રામ કરી શકે છે. આની પર શંકા છે.’
જસ્ટિસ ખન્ના: તેમણે શંકા સ્પષ્ટ કરી દીધી છે.
પ્રશાંત ભૂષણ: EVMની નિર્માતા કંપની AnnexP છે. અમે કંપનીની વેબસાઈટથી માઈક્રોકંટ્રોલરની ખાસિયતો જાણવાનો પ્રયત્ન કર્યો, તેને ડાઉનલોડ કરી. આ માઈક્રોકંટ્રોલરમાં એક ફ્લેશ મેમરી પણ છે. તેથી એ કહેવું કે તેનો માઈક્રોકંટ્રોલર રિપ્રોગ્રામેબલ નથી. આ યોગ્ય નથી. આવુ કોમ્પ્યુટર એક્સપર્ટ પણ કહે છે.
જસ્ટિસ ખન્ના: તેથી મે ECIને પૂછ્યુ અને તેમણે કહ્યું છે કે તેઓ વન ટાઈમ પ્રોગ્રામેબલનો ઉપયોગ કરી રહ્યાં છે.
ભૂષણ: ફ્લેશ મેમરી હંમેશા રિપ્રોગ્રામેબલ હોય છે.
જસ્ટિસ ખન્ના: આપણે તકનીકી ડેટા પર તેમનો (ECI) વિશ્વાસ કરવો પડશે.
ભૂષણ: તેઓ માને છે કે સિગ્નલ બેલેટ યુનિટથી વીવીપેટ અને વીવીપેટથી કંટ્રોલ યુનિટ સુધી ફ્લો હોય છે. પરંતુ વીવીપેટ ફ્લેશ મેમરીમાં કોઈ ખોટો પ્રોગ્રામ હશે તો? છે
જસ્ટિસ ખન્ના: તેમનું કહેવું છે કે ફ્લેશ મેમરીમાં કોઈ પ્રોગ્રામ નથી પરંતુ માત્ર સિમ્બોલ જ છે.
ભૂષણ: ફ્લેશ મેમરી રિ-પ્રોગ્રામેબલ નથી.
જસ્ટિસ ખન્ના: તેઓ એવું કહી રહ્યાં નથી. તેઓ કહી રહ્યાં છે કે ફ્લેશ મેમરીમાં કોઈ પ્રોગ્રામ નથી માત્ર સિમ્બોલ છે. તે સોફ્ટવેર નહીં પરંતુ સિમ્બોલથી લોડેડ છે. જ્યાં સુધી સીયુમાં માઈક્રોકંટ્રોલરનો સવાલ છે, આ પાર્ટીના નામ કે ઉમેદવારના નામને ઓળખતું નથી. તે બેલેટ યુનિટ પરના બટનોને ઓળખે છે. બીયૂમાં બટન ઈન્ટરચેન્જેબલ છે. નિર્માતાને એ ખબર હોતી નથી કે કઈ પાર્ટીને કયુ બટન ફાળવવામાં આવશે.
જસ્ટિસ ખન્ના: તે કોઈ પ્રોગ્રામ લોડ કરી રહ્યાં નથી. તે એક સિમ્બોલ લોડ કરી રહ્યાં છે જે એક ઈમેજ ફાઈલ છે.
ભૂષણ: જો કોઈ ખોટો પ્રોગ્રામ સિમ્બોલની સાથે લોડ કરવામાં આવ્યો છે.
જસ્ટિસ ખન્ના: અમે તેનું ધ્યાન રાખીશું, અમે તર્કને સમજી લીધું છે.
જસ્ટિસ દત્તા: અત્યાર સુધીમાં આવી કોઈ ઘટનાનો રિપોર્ટ નથી. અમે ચૂંટણીને કંટ્રોલ કરી શકતાં નથી, અમે કોઈ અન્ય બંધારણીય સત્તાને કંટ્રોલ કરી શકતાં નથી.
ભૂષણ: હું VVPAT પેપર ટ્રેલ્સ વધારવા પર છું.
જસ્ટિસ દત્તા: ગણવામાં આવેલા 5% વીવીપેટમાંથી કોઈ પણ મેળ ખાતો ન હોય તો કોઈ પણ ઉમેદવાર બતાવી શકે છે.
અરજીકર્તાના અન્ય વકીલ: આ દેશમાં હેરાફેરી કરવા માટે સોફ્ટવેર ઉપલબ્ધ છે.
જસ્ટિસ દત્તા: શું આપણે શંકાના આધારે સુપ્રીમ ઓર્ડર જારી કરી શકીએ છીએ?
જસ્ટિસ ખન્ના: જો કંઈક સુધારો કરવાનો છે તો આપણે જરૂર સુધારો કરી શકીએ છીએ. કોર્ટોએ બે વખત દખલગીરી કરી. એક વખત જ્યારે અમે કહ્યું હતું કે વીવીપેટ જરૂરી હોવું જોઈએ. બીજી વખત જ્યારે આપણે એકથી વધીને પાંચ થઈ ગયા તો આ કોઈ પૂર્વાભ્યાસ નથી પરંતુ શંકા સમાધાન માટે છે.
વરિષ્ઠ વકીલ સંજય હેગડે: બાર કોડ માત્ર ઈમેજ છે જો તેને લગાવવામાં આવે તો તેનાથી પ્રક્રિયામાં ખૂબ મદદ મળશે. અમે બેલેટ પેપરની માગણી કરી રહ્યાં નથી, અમે માત્ર પેપર પુષ્ટિ માટે કહી રહ્યાં છીએ.
જે બાદ સુપ્રીમ કોર્ટે તેઓ ચૂંટણી કંટ્રોલ કરી શકતાં નથી કહેતાં નિર્ણય સુરક્ષિત રાખ્યો.