Patanjali Misleading Ads Case : સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરખબરના કેસમાં આકરી ઝાટકણી કાઢ્યા બાદ પતંજલિ, બાબા રામદેવ (Baba Ramdev) અને બાલકૃષ્ણ (Balkrishna)એ વધુ એક ‘માફીનામું’ છપાવ્યું છે. તેઓ કોર્ટ પાસે બિનશરતી માફી માંગી છે. પતંજલિ પર અખબારોમાં જાહેરાતો આપીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે. હાલ આ કેસ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી પર છે.
નાની જાહેખબર છપાવતા કોર્ટે નારાજ
ઉલ્લેખનીય છે કે, પતંજલિએ ગઈકાલે નાનું ‘માફીનામું’ છપાવ્યું હતું, જેના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી પૂછ્યું હતું કે, ‘શું તે જાહેરાતની સાઈઝ તેની દવાઓની ભ્રામક જાહેરખબર જેટલી છે?’ ત્યારબાદ આ મોટી જાહેરખબર ખબર આપી સાર્વજનીક માફી માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલ ક્રિષ્નાને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો.
પતંજલિએ જાહેરાતમાં શું કહ્યું?
પતંજલિએ બુધવારે (24 એપ્રિલ) છપાવેલી ‘સાર્વજનિક માફીનામા’માં લખ્યું છે કે, ‘અમારા દ્વારા જાહેરાતો પ્રકાશિત કરવામાં થયેલી ભૂલ માટે અમે નિષ્ઠાપૂર્વક અને બિનશરતી માફી માંગીએ છીએ. આવી ભૂલ ફરી નહિ થાય. અમે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સાવધાની સાથે પાલન કરવાનું વચન આપીએ છીએ.’
પતંજલિએ અગાઉ 67 સમાચાર પત્રોમાં જાહેરખબર આપી હતી
પતંજલિએ આ પહેલા 22 એપ્રિલે 67 સમાચાર પત્રોમાં સાર્વજનિક માફીનામાની જાહેરખબર આપી હતી અને આવી ભુલ ફરી ભવિષ્યમાં ન કરવાની વાત કહી હતી. પતંજલિએ આ બાબતન માહિતી 23 એપ્રિલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનતુલ્લાહની બેંચને આપી હતી.
સુપ્રીમ કોર્ટે કરી ઝાટકણી
રામદેવના વકીલ મુકુલ રોહતગીએ ગઈકાલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, અમે માફીનામુ રજૂ કરી ચૂક્યા છીએ. જેના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે, કાલે કેમ રજૂ કર્યું, હાલ અમે રજૂ કરેલા બંડલો જોઈ શકીશું નહિં. તમારે પહેલેથી જ રજૂ કરવુ હતું. જ્યારે જસ્ટિસ અમાનુલ્લાના માફીનામું ક્યા પ્રકાશિત થયું છે, તેના જવાબમાં રોહતગીએ જણાવ્યું હતું કે, 67 અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેના પર રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાદમાં કોહલીએ પૂછ્યું કે, તમારી ભ્રામક જાહેરાતોની સાઈઝમાં જ માફીનામુ પ્રકાશિત કર્યું હતું, તો તેનો જવાબ રોહતગીએ ના આપ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયને પણ આડે હાથ લીધું
સુપ્રીમ કોર્ટે ગઈકાલે સુનાવણી દરમિયાન ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે નિયમોમાં સુધારા-વધારા કરવા બદલ સ્વાસ્થ્ય મંત્રાલયને બાનમાં લેતાં કહ્યુ હતું કે, તમે હવે નિયમ 170 પરત લેવા માગો છો. જો તમારો આ નિર્ણય હોય તો તમે તેના પર શું કામગીરી થઈ છે. આ નિયમ રાજ્ય લાયસન્સિંગ પ્રાધિકરણની મંજૂરી વિના આયુર્વેદિક, યુનાની દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે. સુપ્રીમ કોર્ટે મંત્રાલયને સવાલ કર્યો હતો કે, શું તેમની પાસે વર્તમાન નિયમોનું પાલન ન કરવાની અપીલ કરવાની તાકાત છે, શું તેઓ પ્રકાશિત થતી જાહેરાતો કરતાં ટેક્સ મામલે વધુ ચિંતિત છે?
પતંજલિ પર કોણે કેસ કર્યો હતો?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરખબરમાં જણાવ્યું હતું કે, ‘એલોપેથી, ફાર્મા અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો.’ બાબા રામદેવે એલોપેથીને ‘મૂર્ખ અને નાદાર વિજ્ઞાન’ પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ‘એલોપેથીક દવા કોવિડ-19 થી થનારા મોત માટે જવાબદાર છે.’ આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દાવો કર્યો કે ‘પતંજલિના કારણે પણ લોકો રસી લેતા ખચકાઈ રહ્યા છે.’
કેટલા વર્ષની સજા થઈ શકે છે?
ધ ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઈઝમેન્ટ) એક્ટ 1954 હેઠળ ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાના ગુના માટે છ મહિના સુધીની કેદ થઈ શકે છે. આ સિવાય બીજી વાર ગુનો કરવા બદલ જેલનો સમયગાળો એક વર્ષ સુધી વધી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 (સીપીએ) ની કલમ 89 માં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ નિર્માતા જો ભ્રામક જાહેરખબર બનાવે છે, તો તેને બે વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે અને દંડની રકમને 50 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.