સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ચૂંટણીમાં એક સમાજ દ્વારા અનોખો પ્રચાર શરૂ : બુધવારે દ્વારકાથી અસ્મિતા રથનું પ્રસ્થાન,રાજ્યની તમામ લોકસભા બેઠક પર રથ ફરશે, રાજકોટ-જામનગરમાં વોર્ડ,તાલુકા સમિતિ બની, કાર્યાલયો ખુલશે
રાજકોટ, : ગુજરાતમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસથી ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિએ ભાજપ વિરૂધ્ધ ખુલ્લો પ્રચાર શરૂ કર્યો છે.રાજકોટમાં એ.જી.ચોકમાં ક્ષત્રિય સમાજે તા. 7 મેના લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે અને શહેરના તમામ 18 વોર્ડમાં 18 કાર્યાલયો તથા સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર આ રીતે કાર્યાલયો ખોલીને મત એ જ શસ્ત્ર એવા સૂત્ર સાથે ભાજપ વિરૂધ્ધ સક્ષમ ઉમેદવારને મતદાન થાય તે માટેની લડતનો આરંભ કરાયો છે. ઉપરાંત આજે સૌરાષ્ટ્રમાં ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ક્ષત્રિયોની કોર કમિટિએ આજે જણાવ્યું કે પહેલા આંદોલન શરૂ થયું ત્યારે ક્ષત્રિયોની 92 સંસ્થાઓ હતી અને હવે જે પાર્ટ-2 આંદોલન શરૂ થયું છે તેમાં ગુજરાતની 500 સંસ્થાઓ જોડાઈ ગઈ છે. માત્ર ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ સિવાય તમામ આ આંદોલનમાં જાહેરમાં સાથે છે. સમાજના દરેક વર્ગના લોકો પાસે જઈને એક થઈને તાનાશાહી શાસકો સામે મતદાન કરે તે માટે સમજાવવામાં આવશે.એક પત્રિકામાં જણાવ્યા મૂજબ ભાજપે અગાઉ પાટીદાર આંદોલનમાં 14 નિર્દોષ યુવાનોનો ભોગ લેવાયો છતાં ભાજપના પેટનું પાણી હલ્યું ન્હોતું અને હવે આજે ક્ષત્રિય સમાજનો અને કાલે અન્ય કોઈ સમાજનો અવાજ દબાવશે અને આવું એટલા માટે થઈ શકે છે કે તમામ જ્ઞાાતિ-સમાજ અલગ અલગ વહેંચાયેલા છે.
વધુમાં સંકલન સમિતિના અગ્રણી પી.ટી.જાડેજાએ જણાવ્યું કે આઝાદી પછીના ઈતિહાસમાં પ્રથમવાર ક્ષત્રાણીઓએ આંદોલન માટે રસ્તા પર નીકળવુ પડયું છે.આજે રાજકોટમાં 21ની જાહેરાત સામે 100 બહેનોએ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. અમારી સાથે ડેમેજ કંટ્રોલ માટે ભાજપના કોઈ નેતાઓ વાત કરે તેવી હવે શક્યતા નથી, કારણ કે સમાધાનના તમામ રસ્તાઓ હવે બંધ છે અને હવે લડત શરૂ થઈ ગઈ છે.
જામનગરમાં આ સમિતિએ જણાવ્યું કે તા. 24ના બુધવારે દ્વારકામાં જગતગુરૂ શંકરાચાર્યજીના આશિર્વાદ લઈને સાધુ સંતો દ્વારા ક્ષત્રિય ‘અસ્મિતા રથ’નું સવારે 9 વાગ્યે પ્રસ્થાન થશે અને ત્યાંથી જામ કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, જામજોધપુર, ધ્રોલ, જામનગર શહેર તાલુકા વગેરે સંસદીય મતવિસ્તારમાં ફરશે અને ભાજપ વિરૂદ્ધ મતદાન માટે ઝૂંબેેશ ચલાવાશે. આ જ રીતે સુરેન્દ્રનગરમાં આ જ દિવસે શક્તિમાતાના મંદિરથી રથ નીકળશે તો કચ્છમાં આશાપુરા માતાજીના મઢથી રથનું પ્રસ્થાન થશે. રાજકોટમાં આશાપુરા માતાજીનું મંદિર અથવા મોરબી પાસે શક્તશનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરથી એમ સૌરાષ્ટ્રના તમામ બેઠકોમાં તા. 30 સુધી આ ધર્મરથ ફરશે.