રાજકોટ નજીકના બેટી ગામ પાસે દરોડો ચોરાઉ સીંગતેલ લેવા આવેલો બેટીનો શખ્સ પોલીસની નજર સામેથી ભાગી છૂટયો, રૂા. 44.47 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ, : રાજકોટ નજીકના બેટી ગામ પાસેથી ગઇકાલે રાત્રે એરપોર્ટ પોલીસે ટેન્કરમાંથી સીંગતેલ ચોરીનું કૌભાંડ પકડી પાડી ટેન્કર ચાલક ધર્મેન્દ્ર રામલક્ષ્મણ બાઇઠા (રહે. બિહાર)ને ઝડપી લીધો હતો. જ્યારે ચોરાઉ સીંગતેલ ખરીદવા આવેલો જીવરાજ સામત મકવાણા (રહે. બેટી રામપરા) ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.છાશવારે ટેન્કરમાંથી ડીઝલ- પેટ્રોલ અને ઓઇલ ચોરીના કૌભાંડો બહાર આવતા હોય છે. આ વખતે સીંગતેલ ચોરીનું કારસ્તાન પકડાતા ચર્ચા જાગી છે.
એરપોર્ટ પોલીસના સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે બેટી ગામ નજીક રોડ સાઇડ અવાવરૂ જગ્યામાં દરોડો પાડયો ત્યારે ચાલક ધર્મેન્દ્ર અને જીવરાજ ટેન્કરમાંથી સીંગતેલની ચોરી કરી રહ્યા હતાં. પોલીસે દરોડો પાડતાં જ જીવરાજ ભાગી ગયો હતો.
સ્થળ પર બંને આરોપીઓ મોબાઇલની ફલેશ લાઇટ ચાલુ રાખી ટેન્કરમાંથી કેરબામાં સીંગતેલ ભરી રહ્યા હતા. ટેન્કરના ટાંકાના વાલ્વનું સીલ તોડી આ ચોરી કરવામાં આવી રહી હતી.
ટેન્કર ચાલક ધર્મેન્દ્રએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે તે ગોંડલના જામવાડી જીઆઈડીસીમાં આવેલ તુલસી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી આ સીંગતેલનું ટેન્કર ભરી આવ્યો હતો. જેને પાલનપુરના ચંદીસર જીઆઈડીસીમાં આવેલી મધર ડેરીમાં ખાલી કરવા જતો હતો. તેને તેના પરિચિતો મારફત જીવરાજનો નંબર મળ્યો હતો. જે ચોરાઉ સીંગતેલ ખરીદી લેશે તેવી જાણ થતાં તેનો સંપર્ક કરી બેટી ગામ પાસે બોલાવ્યો હતો. જ્યાં બંને મળી સીંગતેલની ટેન્કરમાંથી ચોરી કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે દરોડો પાડયો હતો.
બંને આરોપીઓએ રૂા. 10,500ની કિમતનું 70 કિલોગ્રામ સીંગતેલ ચોર્યું હતું. પોલીસે રૂા. 34.36 લાખની કિંમતનું 21,985 કિલોગ્રામ સીંગતેલ તેમજ રૂા. 10 લાખનું ટેન્કર વગેરે મળી કુલ રૂા. 44.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ટેન્કરમાં સીંગતેલ ભરવામાં આવે ત્યારે તેમાં ઘટ ન આવે તે માટે અમુક લીટર વધુ સીંગતેલ ભરવામાં આવે છે. જેની ટેન્કરના ચાલકોને જાણ હોય છે. જેથી રસ્તામાં આ રીતે સીલ તોડી અથવા તો બીજી કોઇ રીતે વધારાના સીંગતેલની ચોરી કરી તેને કોઇપણ જગ્યાએ વેચી નાખે છે.
ટેન્કરના ચાલક ધર્મેન્દ્રએ જણાવ્યું કે તે થોડા સમય પહેલા જ બિહારથી આવ્યો હતો. તેની આ પહેલી ટ્રીપ હતી. તેને જીવરાજ રૂા. 1500થી લઇ રૂા. 2000 આપવાનો હતો.