લીમખેડાના પાણીયા રેલવે ફાટક પાસે માલગાડી બે ભાગમાં વહેંચાઈ ગઈ
ગાર્ડે જાણ કરતા ટ્રેન રોકી રિવર્સ બોલાવી કર્મચારીઓએ વેગનને જોઇન્ટ માર્યા
ગાર્ડની સમયસૂચકતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી
લીમખેડા તાલુકાના પાણીયા રેલવે ફટક નજીક ડાઉન લાઇન પર જતી માલગાડીના ડબ્બા અધવચ્ચેથી છુટા પડી જતા દોડધામ મચી હતી. માલ ગાડીમાં સવાર રેલવેના કર્મચારીઓએ ડબ્બાને ફરી જોડતા માલગાડી ફરીથી રવાના થઈ હતી.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ખાતે આવેલ રેલવે ફાટક નંબર એલસી 32 નજીક ડાઉન લાઇન પર બપોરના 12:35 કલાકના અરસામા કોલસા ભરેલી માલગાડી પસાર થઈ રહી હતી. આ સમય દરમ્યાન માલગાડીને જોઈન્ટ કરતા કપ્લરમાથી અધ્ધવચ્ચેથી છુટી પડતા એન્જીન સાથે જોડાયેલા ડબ્બા આગળ જતા રહ્યા હતા. જ્યારે પાછળના ડબ્બાઓ થોડે દૂર જઈને ઉભા રહી ગયા હતા. પાછળના ડબ્બાઓ ઉભા રહેતા માલગાડીની પાછળ ફરજ બજાવતા ગાર્ડ દ્વારા તાત્કાલિક વોકીટોકી થી ટ્રેનના એન્જીનના પાયલોટ ને જાણ કરતા પાયલોટ દ્વારા તાત્કાલિક માલગાડી ટ્રેન રોકી દેવામા આવી હતી. સમગ્ર ઘટનાની જાણ રેલ્વે માલગાડીમા ફરજ બજાવતા કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, અને ત્યાર બાદ ટ્રેનના ડબ્બાઓ સાથે આગળ જતી રહેલ માલગાડીને રીવર્સમા પાછળ લાવવામા આવી હતી અને ફરીથી માલગાડીના ડબ્બાઓને એકબીજા સાથે જોડવાની કામગીરી રેલ્વે માલગાડીના પાયલોટ અને ગાર્ડ દ્વારા હાથ ધરવામા આવી હતી. ભારે જહેમત બાદ માલગાડીના ડબ્બાઓ એકબીજા સાથે કપ્લરની મદદથી જોડવામા આવ્યા હતા, માલગાડીના ડબ્બા બરાબર જોઈન્ટ થયાની ચકસણી કર્યા બાદ માલગાડીને ફરીથી આગળ લઈ જવામા આવી હતી.
આ સમગ્ર ઘટના મામલે સ્થળ પર હાજર રેલ્વેના કર્મચારીઓ સાથે વાત કરતા તેમણે કંઈ કહેવાનુ ટાળ્યુ હતુ,
જ્યારે પાણીયા ફટક એલ.સી. 32 પર ફરજ બજાવતા ગેટમેન જશવંતસિંહ પટેલ પુછતા જણાવ્યુ હતુ કે, પીપલોદ થી લીમખેડા વચ્ચે પાણીયા ફટક નંબર એલ.સી. 32 નજીક કોલસા ભરેલી માલગાડી મા ટ્રેન પાર્ટ થયુ હતુ અને માલગાડી બે ભાગમા વહેચાઈ ગઈ હતી, ટ્રેનના ગાર્ડે જાણ કરતા ટ્રેન રોકવામા આવી હતી, અને છુટા પડેલા માલગાડીના ડબ્બાઓને માલગાડીમા સવાર ગાર્ડ સહિતના કર્મચારીઓએ જોઈન્ટ કર્યા હતા. આ બાબતની જાણ રેલ્વેના ઉપલા અધિકારીઓને કરીને માલગાડી અહિયાથી રવાના કરવામા આવી હતી. સદ્ નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.