Image Source: Freepik
રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર રોડ પર દારૂના નશામાં લથડિયા ખાતા આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. જે આરોપીના કારણે અગાઉ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ સામે ગુનો દાખલ થયો હતો. જ્યારેપીસીબીએ ખોડિયાર નગર વિસ્તારમાં દારૂ વેચતા કાકી ભત્રીજાના ઘરે રેડ પાડી હતી.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ખોડિયાર નગર પીળા વુડાના મકાનમાં રહેતા દક્ષાબેન ઠાકોર તથા તેઓનો ભત્રીજો જીજ્ઞોશ ઉર્ફે જીગો મફતભાઇ માળી વિદેશી દારૂનો ધંધો કરે છે. જેથી,પીઆઇ એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા દક્ષાબેન મળી આવ્યા હતા. તેમના ઘરમાં ચેક કરતા પલંગની નીચેથી પૂઠાનું બોક્સ મળી આવ્યું હતું.જેમાં વિદેશી દારૂની 48 બોટલ મળી આવી હતી. બાજુના મકાનમાં રહેતા જીજ્ઞોશના ઘરે તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બંને ઘરમાંથી કુલ 101 બોટલ કિંમત રૂપિયા 13,400ની કબજે કરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં સિટિ પોલીસે જૂની આર.ટી.ઓ. કચેરી પાણીની ટાંકી પાસે રહેતા કામિનીબેન હસમુખભાઈ કહારના ઘરે પોલીસે ચેકિંગ કરતા વિદેશી દારૂની ચાર બોટલ અને બિયરના છ ટીન મળી આવ્યા હતા.પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર જ રોડ પર દારૂનો નશો કરીને લથડિયા ખાતા આરોપી હિરેન સુરેશભાઇ ઠક્કર ( રહે. પ્રતાપ રોડ, રાવપુરા) ને રાવપુરા પોલીસે ઝડપી પાડયો હતો. હિરેન ઠક્કર અગાઉ દારૂના કેસમાં પકડાયો ત્યારે તેની સામે કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આક્ષેપ સાથે રાવપુરા પોલીસ સ્ટેશનના જ સ્ટાફ સામે ગુનો દાખલ થયો હતો.