જકાર્તા,21 એપ્રિલ, 2024, રવીવાર
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયાએ ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તન રોકવા માટે ગ્રીન ઇસ્લામ નામનો કાર્યક્રમ આપ્યો છે. ઇન્ડોનેશિયામાં મોટા પાયે કોલસા અને પામ ઓઇલનું ઉત્પાદન થાય છે.
ઇન્ડોનેશિયા અને મલેશિયા દુનિયામાં પામ તેલની સૌથી વધુ નિકાસ કરે છે. ગ્લોબલ વોર્મિગની અસર ઇન્ડોનેશિયાની ધરતી પર પણ દેખાવા લાગી છે. ગ્લોબલ વોર્મિગથી કાંઠા વિસ્તારના કેટલાક નગરો અને નાની વસાહતો જળમગ્ન થવાના આરે છે. આથી ૨૭ કરોડની વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયાએ ગ્લોબલ વોર્મિગના સામના માટે ધાર્મિક સ્તરે પ્રયાસ કરીને ગ્રીન ઇસ્લામનો નારો બુલંદ કર્યો છે.
ઇન્ડોનેશિયામાં એવા ઇસ્લામિક કલ્ચરની માંગ લધી રહી છે જે પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત હોય. જળવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરવા માટે નમાઝ અદા કરવાની માફક જ વૃક્ષ વાવવાની આદત પાડો એવો મેસેજ આપવામાં આવી રહયો છે. ઇન્ડોનેશિયામાં અનેક મસ્જિદોના વહિવટકર્તાઓ અને ઇમામોને પણ સમજ આપવાનું વિચારણા હેઠળ છે.
ઇસ્તિકલાલ નામની મસ્જિદ દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદો માંની એક છે. ઉલ્લેખનીય છે તેને સૌર પેનલો, ધીમા વહેતા પાણીના નળ અને વોટર રિસાયકલ સિસ્ટમથી સુસજજ કરવામાં આવી છે. આ મસ્જિદની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિની વિશ્વબેંકે પણ વખાણ કર્યા છે. દુનિયામાં ધાર્મિક સ્થળોનો વિવિધ રીતે ઉપયોગ થતો રહયો છે પરંતુ આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે.