Death Due To Heart Attack In Rajkot: રાજ્યમાં હાર્ટ એટેકના કારણે નવ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે રાજકોટથી હૃદયરોગના હુમલાની વધુ બે ઘટનાઓ સામે આવી છે. અહીં ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષીય તરુણ મેદાનમાં અચાનક ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે લગ્ન પ્રસંગમાં ગયેલા યુવકનું હૃદયના ધબકારા બંધ થઈ જતા મોતને ભેટ્યો હતો.
રાજકોટમાં હાર્ટ એટેકથી બેના મોત!
મળતી માહિતી અનુસાર, રાજકોટના વાવડી પાસે આવેલા મહમદીબાગમાં રહેતા 14 વર્ષીય રેનીશ રજાક નકાણીનું ક્રિકેટ રમતાં-રમતાં મૃત્યુ નીપજ્યું હતું. રેનીશ જ્યારે ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે તે મેદાનમાં અચાનક ઢળી પડતા તેમનું મૃત્યુ થયું હતું. જો કે, હૃદય રોગના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકોટના નવાગામ વિસ્તારમાં સાત હનુમાન મંદિર પાસે રહેતા 37 વર્ષીય મનોજ નાગજી બાવળિયા લગ્ન પ્રસંગમાં અચાનક ઢળી પડ્યો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મનોજનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતું.
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.