હજારોની મેદની વચ્ચે એન્ટિક રથમાં આરૂઢ માધવરાયજીને ગાર્ડ ઓફ ઓનર  : કડછ ગામના લોકોએ રૂક્ષ્મણીજીના મામેરિયાત બની મામેરા કર્યાઃ રથને દોડાવવાની વિધિ સહિતની અનેક રસમો યોજાઈ, જાનનું  મધુવનમાં ભવ્ય સ્વાગત 

માધવપુર, : સાગરકાંઠે આવેલા માધવપુરમાં ઠાકોરજીના ત્રણ ફુલેકાંઓ યોજાયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સંગ રૂક્ષ્મણીજીના લગ્ન ગાંધર્વ વિધિથી યોજાયા હતા.આ વેળા લોકોમાં ભારે ધામધૂમ અને આનંદ છવાયો હતો.  કડછ ગામના લોકોએ મામેરિયાત બનીને  રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. એ વખતે ભારે ભાવભર્યા દ્રશ્યો અને આનંદમંગળ વર્તાયો હતો. 

માધવપુરમાં રામનવમીથી ઠાકોરજીનો લગ્નોત્સવ શરૂ થયો છે. ભગવાનની જાન ઊંટ, ઘોડા અને ડી.જેના નાદ સાથે સૌ કોઈ જાનૈયા બનીને નાચતા કુદતાં જોડાયા હતા. જયારે ભગવાન નીજમંદિરેથી મધુવનમાં પરણવા પ્રસ્થાન કર્યું એ સમયે ઠાકોરજીને એન્ટિક રથમાં આરૂઢ કરીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. અહી લગ્નોત્સવમાં જુદી જુદી પરંપરાઓ અને રસમો નીભાવવામાં આવી હતી. જેમાં રૂકમૈયાના આક્રમણથી બચવા માટે ભગવાનના રથને દોડાવવામાં આવ્યો હતો એ વખતે બધા રથની સાથે દોડવા લાગ્યા હતા. અહી રૂક્ષ્મણીજીના મામેરા પુરવાની અગત્યની વિધિ થાય છે એમાં કડછ ગામના મહેર સમાજના કડછા સમુદાય મામૈરા પુરવા માટે મામેરિયાત બનીને વાજતે ગાજતે રૂક્ષ્મણીજી મઠે પહોંચ્યા હતા. અને ભાવભેર રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. અહી એક એવી પણ રસમ છે કે મામેરિયાઓ સમાચાર આપે કે મામેરા પૂર્યા ત્યારે પિયર પક્ષ જાન પક્ષને કહેવડાવે છે કે મામેરા પુરાઈ ગયા છે. અને રૂક્ષ્મણીજીના સાસરે એટલે કે માધવરાય મંદિરે જઈ જાન લઈ આવવા આમંત્રણ મોકલવામાં આવે એટલે જાન પ્રસ્થાન થાય છે. આ રસમ અહી યોજાઈ હતી. આ જાન પ્રસ્થાન વેળા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. જાન સૌ પ્રથમ મેળાના ગ્રાઉન્ડમાં પહોંચી હતી. અને પ્રભુના રથને મેળાના ગ્રાઉન્ડમાંથી પુરપાટ વેગે રથને દોડાવવામાં આવ્યો હતો. જયારે મધુવનમાં પહોંચી ત્યાર પિયરપક્ષની સાથેની કુવારી કન્યાઓએ માથા પર મોતીની ઈંઢોણી અને કળશ સાથેે જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણ અને જાન, જાનૈયાનું સ્વાગત કર્યુ હતુ. એ પછી ભગવાનને વેદમંત્રો સાથે પ્રોક્ષણ (પોખવાની વિધિ) કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ મંડપમાં ઠાકોરજીને લગ્ન માટે બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહી કુલગોર જનકભાઈ પુરોહિતે ભગવાન શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજી સંગ વેદમંત્રો સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા હતા. 

મધુવનમાં મંડપમધ્યે પરણી ચૂકેલા યુગલ સ્વરૂપ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવ્યો હતો. આ વખતે બહેનોએ કંસાર સમયના લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. ભાવિકાને કંસાર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આજે રવિવારે યુગલસ્વરૂપ ઠાકોરજી અને રૂક્ષ્મણીજીને તીલક કરવા તેમજ હાથ ઘરણું હાથોહાથ કરવાનો લોકો લાભ લેશે. અને મધુવનથી સવારે આઠથી દસ વાગ્યા સુધી ઠાકોરજી બધાને મળશે. એ પછી મધુવનમાંથી પ્રસ્થાન થયેલી જાન બપોરના ત્રણથી ચાર વચ્ચે પહોંચશે. રસ્તામાં અબીલ ગુલાલની છોળો ઉડશે અને રસ્તામાં અબીલ ગુલાલની ચાદર છવાઈ જશે. હરકોઈ વ્યકિત રૂક્ષ્મણી માધવના રંગે રંગાઈ જશે. જાન માધવચોકમાં પહોંચશે ત્યારે કીર્તનો થશે અને પોખણનની વિધિ થશે. એ પછી ભગવાન મંદિરમાં યુગલ સ્વરૂપે બિરાજમાન થશે. તેમને શીતલ જળ ધરાવવામાં આવશે. ભાવિકોને શીતલ જલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સમગ્ર માનવમહેરામણ રૂક્ષ્મણી માધવનો જયઘોષ કરીને સૌ કોઈ છુટા પડશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *