સાયબર ઠગબાજોનો નવો કીમિયો આંગડીયું મળ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં રહેતા વ્યક્તિનાં ખાતામાં ન ડોલર જમા થયા- ન રૂપિયા પાછા મળ્યા, જૂનાગઢ સાયબર પોલીસમાં ફરિયાદ
જૂનાગઢ, : સાયબર ગઠિયાઓ હવે વિદેશમાં રહેતા લોકોને પણ છેતરપિંડીનો ભોગ બનાવવા લાગ્યા છે. ભારતમાં પૈસાની જરૂર છે તેના બદલામાં ઓસ્ટ્રેલિયન ડોલર જમા કરાવી આપવા લાલચ આપી હતી. આથી ઓસ્ટ્રેલિયા રહેતા વ્યક્તિએ તેના ભાઈને કહી 24 લાખ રૂપિયા આંગડીયામાં મોકલ્યા હતા. બાદમાં કોઈ ડોલર જમા થયા ન હતા. આ અંગે ઓસ્ટ્રેલિયા રહેતા વ્યક્તિના ભાઈએ ફરિયાદ કરતા જૂનાગઢ સાયબર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના નહેરૂ પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર ખાનગી કંપનીમાં જી.એમ.તરીકે ફરજ બજાવતા મનીષભાઈ ધરમશીભાઈ માલવીયાના નાના ભાઈ પુનિતભાઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તા.૧-૩-૨૦૨૪ના પુનિતભાઈના પત્નીએ નીધિ સુહાગીયા નામના ફેસબુક એકાઉન્ટમાં ગુજરાતી ઇન સિડની નામની જાહેરાત જોઈ હતી, જેમાં ઉલ્લેખ હતો કે ભારતમાં તાત્કાલિક પૈસાની જરૂર છે. તેના બદલામાં ઓસ્ટ્રેલિયાના એટલી રકમ ડોલરમાં જમા કરાવી આપશે. આથી પુનિતભાઈના પત્નીએ આ નંબર પર ફોન કરતા નીધિ સુહાગીયાએ તેના પતિ નિકુંજ સુહાગીયાનો નંબર આપ્યો હતો. પુનિતભાઈએ ફોન કરતા તેણે તેના બનેવી મુકેશભાઈ સોલંકીના નામે કેશોદ મોકલી આપશો તેના બદલામાં હું તમારા ખાતામાં ઓસ્ટ્રેલિયન ડોલર જમા કરાવી આપીશ એવી વાત કરી હતી. પુનિતભાઈએ જૂનાગઢ રહેતા તેના ભાઈ મનીષભાઈને ફોન કર્યો હતો. મનીષભાઈના કહેવાથી અમદાવાદ રહેતા ચેતનભાઈ પટેલે કેશોદ મુકેશભાઈ સોલંકીના નામે ૨૪ લાખનું આંગડીયુ કરાવ્યું હતું. જ્યાંથી પુરાવા રૂપે એક દસની નોટના સીરિયલ નંબર રજૂ કરી મુકેશભાઈએ મનોજભાઈ પારેખ તરીકે સહી કરી પૈસા લીધા હતા અને પુનિતભાઈએ નિકુંજ સુહાગીયા સાથે ખાતરી કરી હતી. બાદમાં નિકુંજ સુહાગીયાએ પુનિતભાઈને ૪૪૪૬૦ ઓસ્ટ્રેલિયન ડોલર જમા કર્યાની રિસીપ્ટ મોકલી હતી. પરંતુ તેના બે ત્રણ દિવસ બાદ પણ ખાતામાં ડોલર જમા થયા ન હતા. પુનિતભાઈએ નિકુંજ સુહાગીયા, નીધિ સુહાગીયા અને મુકેશ સોલંકીને ફોન કરવા છતાં ઉપાડયા ન હતા અને જેના પર જાહેરાત મૂકી હતી તે ફેસબુક એકાઉન્ટ પણ ડીલીટ થઇ ગયું હતું. આ અંગે પુનિતભાઈએ તા. 7- 8 માર્ચના ફોન કરી મનીષભાઈને વાત કરી હતી. આથી મનીષભાઈ માલવીયાએ સાયબર પોલીસને અરજી આપી હતી. તપાસ કરતા કેશોદની આંગડીયા પેઢીમાંથી રકમ લઈ જનાર વ્યક્તિ મુકેશ સોલંકી નહિ પરંતુ અશોક વશરામ ગજેરા હોવાનું સામે આવ્યું હતું અને તે જૂનાગઢ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આજે સાયબર પોલીસે ઓનલાઇન છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.