દ્વારકા-સોમનાથ નેશનલ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત દ્વારકા દર્શન કરીને કેશોદ જતાં હતા ત્યારે રસ્તા આડે શ્વાન ઉતરતા તેને બચાવવા જતાં માર્ગ અકસ્માતમાં અન્ય 3 ઘાયલ
પોરબંદર, : દ્વારકા-સોમનાથ નેશનલ હાઇ-વે પર ઓડદરના બાયપાસ નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા સૂરત રહેતા નણંદ-ભાભીના મોત નિપજ્યા હતા. સુરતનો પરિવાર દ્વારકા દર્શન કરીને કેશોદ જતા હતા ત્યારે શ્વાન આડે ઉતરતા તેને બચાવવા જતા થયેલા અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ઘાયલ થયા હતાં.
બનાવની વિગત એવી છે કે સૂરતના માંગુકીયા પરિવારના સભ્યો દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી જ કારમાં ગઇકાલે મોડીરાત્રે કેશોદ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં જઇ રહ્યા હતા ત્યારે પોરબંદરથી 15 કિ.મી. દૂર નેશનલ હાઇવે પર ઓડદર બાયપાસ રોડ પાસે અચાનક જ શ્વાન આડે ઉતરતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. અકસ્માતના આ ગંભીર બનાવમાં પૂજા ભુપતભાઇ માંગુકીયા ઉ.વ. 22 અને તેના ભાભી ડો. રશ્મીબેન બ્રિજેશભાઇ માંગુકીયા (ઉ.વ. 24)નું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જ્યારે બ્રિજેશ ભુપતભાઇ માંગુકીયા (ઉ.વ. 24), ફેનિલ ભૂપતભાઇ માંગુકીયા (ઉ.વ. 21) અને જુલી શૈલેષભાઇ માંગુકીયા (ઉ.વ. 23)ને ઇજા થતા ઇમરજન્સી સેવા 108 મારફતે સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર થઇ હતી. બીજી બાજુ મૃત્યુ પામેલા ડો. રશ્મીબેન અને તેની નણંદ પૂજાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસમાં એ.ડી નોંધ થઇ છે જેમાં શ્વાન આડે ઉતરતા તેને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાયાનું જણાવાયુ છે.