મેળામાં મિઝોરમનાં તીખાં લાલ મરચાંનું ધૂમ વેચાણ : વિવિધ રાજ્યોના ખાનપાનનો સ્વાદ માણીને સહેલાણીઓ ખુશઃ હેન્ડલુમ, બાંબુ ક્રાફ્ટથી માંડીને ઓર્ગેનિક ફૂડની પણ ખપત : તરબુચ ઉપર મતદાન જાગૃતિનાં સ્ટીકર લગાવાયાં
પોરબંદર, : માધવપુરના મેળામાં મિઝોરમનાં તીખાં લાલ મરચાં સહિત હેન્ડલુમ, બાંબુ ક્રાફ્ટ જેવી હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓથી માંડીને ઓર્ગેનિક ફૂડનું વેચાણ થઇ રહ્યું છે. ઉપરાંત, ખાસ કરીને આસામ મિઝોરમની વાનગીઓનો સ્વાદ ગુજરાતીઓને દાઢે વળગ્યો છે. ઓર્ગેનિક ફુડ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
આ લોકમેળામાં પૂર્વ-પશ્ચિમના ખાદ્ય વસ્તુઓના આદાન પ્રદાનથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના ખરા અર્થમાં સાર્થક થાય છે. પૂર્વોત્તર આસામ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ,અરૂણાચલ પ્રદેશ સહિતના રાજ્યોના ફૂડ સ્ટોલથી લોકો પૂર્વોત્તર રાજ્યના ફૂડનો સ્વાદ માણી રહ્યા છે. આસામના ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ સ્ટોલધારક જ્યોતિષ પાટગીરીએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક જોહા રાઈસ, કાલા રાઈસ, એલિફન્ટ ફ્રટ, મેંગોસ્ટીન, લેમન, ડેમુ, કિગ મરચુ સહિતની વસ્તુઓમાંથી રાઈસ કેક, સૂપ, આચાર સહિતની વિવિધ ફૂડ પ્રોડક્ટ બનાવીએ છીએ, જે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તેમજ આરોગ્યવર્ધક છે. એલિફન્ટ ફ્ટ સુગર, ડાયાબિટીસ, હૃદયને સહિત શારીરિક સમસ્યાઓમાં રાહત આપે છે તેમજ મેગોસ્ટીન અને એલીફન્ટ ફ્ટને મિક્સ કરી સૂપ શરીરને નુકસાનકર્તા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને સાફ રાખે છે.
ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધનાર આ મેળામાં હેન્ડલુમ, બાંબુ ક્રાફ્ટ, કોના ક્રાફ્ટ, શિતલપટ્ટી ક્રાફ્ટ તેમજ અલગ અલગ પ્રકારની વાનગીઓના વિવિધ સ્ટોલના માધ્યમથી મિઝોરમ, આસામ, મણિપુર વગેરેથી આવેલા વેપારીઓ, હસ્તકલાના કારીગરોના અનેરાં ઉત્પાદનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રોશેલ કેન્ડી, મેંગો બાર, બનાના ચીપ્સ, મિઝો ચીલી વગેરે જેવી મિઝોરમની વિવિધ ઓર્ગેનિક અને પૌષ્ટિક વસ્તુઓ ગુજરાતીઓને પસંદ પડી રહી છે. જેવી રીતે ગીરની કેસર કેરીને જી.આઈ. ટેગ (ભૌગોલિક ઓળખ) મળેલું છે તેવી જ રીતે મિઝોરમના તીખાં લાલ મરચાં ઓર્ગેનિક બર્ડ્સ આઈ ચીલી એટલે કે મિઝો ચીલીને પણ જી.આઈ. ટેગ મળેલું છે.
તરબુચ ઉપર મતદાન જાગૃતિનાં સ્ટીકર લગાવાયાં
પોરબંદરઃ વહિવટી તંત્રએ માધવપુરના મેળામાં તરબૂચ ઉપર સ્ટીકર લગાવી મતદાર જાગૃતિનો અનેરો પ્રયાસ કરાયો છે. મેળામાં તરબુચ વેચાણના સ્ટોલ ખાતે તરબુચ ઉપર ‘અમે અવશ્ય મતદાન કરીશું’નાં સ્ટીકર લગાવાયાં છે.