ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલના પારંપરિક મેળા યોજાયા
દાહોદનાં સ્ન્છએ વિસ્તારોમાં જઈ મેરેથોન ઉજવણી કરી
નેતાઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા
દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળી અને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. ધૂળેટીના દિવસે ચારે કોર રંગીન માહોલ છવાયો હતો ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલના પારંપરિક મેળા પણ ભરાયા હતા. નેતાઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ સમાજમા હોળીનું અનેરુ મહત્ત્વ છે. જેથી અહીં હોળીની ઉજવણી પારંપરિક રીતે કરવામા આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીની ઉજવણી પણ હર્ષોલ્લાસ સાથે કરવામા આવી હતી. દાહોદમાં પોત પોતાના વિસ્તારોમાં, સોસાયટી, શેરીઓમા સમાજ અને મિત્ર વર્તુળમા દાહોદવાસીઓએ મન મૂકીને ધૂળેટીની મઝા માંણી હતી.એક બીજાને રંગ લગાવી ડીજે અને સ્પીકર લગાવી હોળીના ગીતો પર ઠુમકા લગાવ્યા હતા. દાહોદના યુવાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ શહેરના વિવિધ વિસ્તારોમા જઈ ધૂળેટીની મઝા માણી હતી અને તેઓ પણ યુવાનો સાથે ઝુમ્યા હતા. ભૂલકાઓ અને યુવાનોએ પણ પોતાની રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી તેમજ શહેરમાં ચારે કોર ખાણી પીણીના આયોજન કરવામા આવ્યા હતા. બપોર બાદ ધુળેટીની ઉજવણી મોટે ભાગે મહિલાઓએ કરી હતી ત્યારે સાંજે ખાણી પીણીની લારીઓ, હોટેલો અને રેસ્ટોરન્ટ ઉભરાયા હતા.