અમદાવાદ,ગુરુવાર
રીલીફ રોડ ઉપર પરિવાર સાથે ખરીદી કરવા આવેલા આર્મીના લેફ્ટનન કર્નલ રોડ ક્રોસ કરતા હતા આ સમયે તેમણે કારના બોનેટ ઉપર હાથ મૂકતા કારના ચાલકે તકરાર કરી હતી અને જોઇને કેમ ચાલતો નથી કહીને કોલર પકડીને લાફા માર્યા બાદ પટ્ટાથી હુમલો કરતા લોહી નીકળ્યું હતું. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રોડ ક્રોસ કરતી વખતે કારના બોનેટ ઉપર હાથ મૂકતા કાર ચાલકે ઉશ્કેરાઇ કોલર પકડી લાફા મારી પટ્ટાથી હુમલો કરતા લોહી નીકળ્યું
શાહીબાગ કેમ્પ હનુંમાન ખાતે આર્મીમાં લેફ્ટનન કર્નલ તરીકે નોકરી કરતા અધિકારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સહિત બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે આર્મી અધિકારી ગઇકાલે સાંજે પરિવાર સાથે લાલ દરવાજા ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા અને રીલીફ રોડ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે ભારે ટ્રાફિક વચ્ચે રોડ ક્રોસ કરતા હતા આ સમયે તેમણે એક કારના બોનેટ ઉપર હાથ મૂકતા કાર ચાલક ઉશ્કેરાઇ ગયો હતો.
આર્મી અધિકારી સાથે તકરાર કરીને જોઇને કેમ ચાલતો નથી તેમ કહીને બહાર આવીને કોલર પકડીને લાફા માર્યા બાદ બેલ્ટથી માર માર્યો હતો. આ સમયે કારમાં બેઠેલા શખ્સે પણ તેમની સાથે મારા મારી કરી હતી જેના કારણે અધિકારીને લોહી નીકળ્યું હતું. આ બનાવ અંગે કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.