Ukai Dam Water Level : રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીનો કકળાટ ઉભો થવા પામ્યો છે, ત્યારે અસહ્ય ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતથી રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં હાલ પણ 49 ટકા જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવનારા એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા પૂરતો છે.
ઉકાઈ ડેમમાં 49 ટકા પાણીનો જથ્થો
સમગ્ર દક્ષિણ ગુજરાતના પીવાના પાણી સહિત ખેતી તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમા ઉકાઈ ડેમમાં ઉનાળા દરમ્યાન પણ 49 ટકા જેટલો પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે, હાલ ડેમની સપાટી 322 ફૂટ પર છે, જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો પીવાના પાણી સહિત ખેતી અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે. જો ચોમાસુ નબળું રહે તો આગામી એક વર્ષ સુધી દક્ષિણ ગુજરાતની પીવાના પાણી સંતોષવા માટે પર્યાપ્ત માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી રહેશે.
ખેડૂતો, ઉદ્યોગને પણ રાહત
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ 49 ભરાયેલો હોવાથી દક્ષિણ ગુજરાતવાસીઓને એક વર્ષ સુધી પીવાના પાણીથી રાહત થવા ઉપરાંત ખેડૂતો અને ઉદ્યોગને પણ મોટી રાહત થશે. ખાસ કરીને ઉકાઈ ડેમ આધારિત સિંચાઇ સુવિધા મેળવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે.