બનાસકાંઠાનાં અમીગઢ ચેક પોસ્ટ પાસે પોલીસની વોચ સફળ : 1.720 કિલોગ્રામ મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો, કાર સહિતનો મુદ્દામાલ જપ્તઃ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે દિશામાં ચાલતી તપાસ
જામનગર, : સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવા સમગ્ર તંત્ર કમર કસી રહ્યું છે. તમામ જગ્યાએ દારૃ તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃતિઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રાજસ્થાનને જોડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક મોટરકાર મારફત ગુજરાતમાં ઘૂસ્યા હતા, જેને બનાસકાંઠા નજીકની ચેક પોસ્ટ પાસે રોકવામાં આવ્યા હતા અને કારની તલાશી લેતાં તેમાંથી એક કરોડ ઉપરાંતની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ ઘણી બધી બાબતો માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. આ ચેકપોસ્ટ પરની પોલીસે જાહેર કર્યું છે કે, એક કારમાંથી 1.720 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ.. 1.07 કરોડ આંકવામાં આવી છે અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ આ ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લીધું અને ક્યાં લઈ જવામાં આવતું હતું વગેરે વિગતો તપાસમાં ખૂલી શકે.
અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ ઈસરાક આરિફ બલોચ (65, અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધિ (નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર) અને અસલમ અબ્દુલસતાર દરજાદા ( શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર) એવું માનવામાં આવે છે કે, આ શખ્સો અજમેર તરફથી આવી રહ્યા હતાં. પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ. 1,16,49,400 નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.