Supreme Court Hearing on VVPAT: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં શુક્રવાર (19મી એપ્રિલ)એ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ફરી એક વખત મતદાન પહેલા EVMને લઈને સવાલો ઉભા થયા છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં EVM-VVPAT કેસની સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે (Election Commission) ફરી એકવાર EVM-VVPAT હેક થવાની આશંકાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવવાનું કહ્યું હતું. આ પછી પંચે કોર્ટના તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
વિપક્ષ હંમેશા ઈવીએમની ટીકા કરી રહ્યો છે
વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સતત ટીકા કરી રહ્યો છે અને તેમનું કહેવું છે કે ઈવીએમને હેક કરી શકાય છે. આજે સુપ્રીમ કોર્ટમાં વીવીપેટ સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપ સાથે ઈવીએમ દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી કરી છે. જજ સંજીવ ખન્ના અને જજ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, ‘આ (એક) ચૂંટણી પ્રક્રિયા છે. આમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને એવી આશંકા ન થવી જોઈએ કે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી.’ ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરજદારો વતી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા.
VVPAT મશીનમાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠી
આ કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછો એવો આદેશ આપવો જોઈએ કે વીવીપેટ મશીન પારદર્શક હોવું જોઈએ અને તેમાં બલ્બ સતત ચાલુ રહેવો જોઈએ, જેથી મતદારને સંપૂર્ણ પુષ્ટિ મળી શકે. એડવોકેટ સંજય હેગડેએ જણાવ્યું હતું કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ. જો આમ નથી કરી શકાતું નથી, તો કોર્ટે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ.
VVPATની પ્રક્રિયા અંગે કોર્ટને જાણકારી આપો: સુપ્રીમ કોર્ટ
આ ઉપરાંત વકીલે કહ્યું હતું કે ઈવીએમ બનાવનારી કંપનીઓના એન્જિનિયર મશીનને નિયંત્રિત કરી શકે છે. જો કે આ દલીલને કોર્ટે વ્યર્થ ગણાવી હતી. જજોએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને કહ્યું કે કા તો પોતાના (મનિન્દર સિંહ) દ્વારા અથવા કોઈ અધિકારી દ્વારા વીવીપેટ સાથે જોડાયેલી પ્રક્રિયા અંગે કોર્ટને જાણકારી આપે. આ સવાલ પર મનિન્દર સિંહે કહ્યું હતું કે કોર્ટના સવાલનો જવાબ આપવામાં આવશે, પરંતુ હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે તમામ અરજીઓ માત્ર આશંકા પર આધારિત છે. વીવીપેટ માત્ર એક પ્રિન્ટર છે.
VVPAT કેવી રીતે કામ કરે છે તે પણ ચૂંટણી પંચે જણાવ્યું
ચૂંટણી પંચના એક અધિકારીઓ જજોને સંબોધિત કરીને જણાવ્યું હતું કે બટન યુનિટમાં માત્ર એ જ માહિતી હોય છે કે કયા નંબરનું બટન દબાવવામાં આવ્યું. આ માહિતી કંટ્રોલ યુનિટમાં જાય છે અને કંટ્રોલ યુનિટમાંથી વીવીપેટને પ્રિન્ટિંગનો આદેશ જાય છે. આ મુદ્દે જજે પૂછ્યું કે, તો પછી VVPAT ક્યાં નિશાનને પ્રકાશિત કરવું એ કેવી રીતે જાણી શકે? તો અધિકારીએ કહ્યું કે એક ખૂબ જ નાનું સિમ્બોલ લોડિંગ યુનિટ છે, જે ટીવીના રિમોટ જેવા આકારનું હોય છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી કારણ કે તે ઈન્ટરનેટ અથવા કોઈપણ બહારના નેટવર્કથી કનેક્ટ થઈ શકતું નથી. આ એકમ કંટ્રોલ યુનિટમાંથી મળેલા કમાન્ડને પ્રોસેસ કરીને વીવીપેટને માહિતી આપે છે.
ઉમેદવારોની હાજરીમાં નિશાન અને સીરિયલ નંબર અપલોડ થાય છે
આ પછી જજે સુનાવણી દરમિયાન સવાલ કર્યા હતા કે આ યુનિટમાં કઈ કઈ માહિતી હોય છે? અને તેને ક્યારે અપલોડ કરવામાં આવે છે? જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે યુનિટમાં સીરિયલ નંબર, પક્ષનું ચૂંટણી નિશાન અને ઉમેદવારનું નામ હોય છે. વધુમાં અધિકારીએ કહ્યું હતું કે આ સીરિયલ નંબર, ચૂંટણી નિશાન અને ઉમેદવારોના નામને મતદાનના એક અઠવાડિયા પહેલા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં અપલોડ કરવામાં આવે છે. જે બાદ તેમાં ફેરફાર થઈ શક્તો નથી. અધિકારીએ આગળ જણાવ્યું કે પ્રતિનિધિઓને આ વાતની પુષ્ટિ પણ કરાવવામાં આવે છે કે જે બટન દબાવવામાં આવ્યું, તેની જ સ્લીપ વીવીપેટમાંથી બહાર આવે છે.
ઈવીએમ સાથે છેડછાડ શક્ય નથી: ચૂંટણી પંચ
વીવીપેટ કેસની સુનાવણી કરી રહેલા જજે ચૂંટણી પંચના અધિકારીને સવાલ કર્યો કે, તમારી પાસે કેટલા વીવીપેટ છે? અધિકારીએ જવાબ આપતા કહ્યું કે અમારી પાસે 17 લાખ છે. જેના પર જજે બીજો સવાલ કરતા પૂછ્યું કે ઈવીએમ અને વીવીપેટની સંખ્યા કેમ અલગ-અલગ છે? જેના પર ચૂંટણી અધિકારીએ જજને સંતોષકારક જવાબ આપતા કહ્યું કે મોક પોલમાં ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ કોઈપણ મશીનનું પરીક્ષણ કરી શકે છે. આ ઉપરાંત અધિકારીએ એમ પણ કહ્યું કે આંકડા વિશે જાણકારી મેળવવી કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી.
કેરળમાં ભાજપને વધારાના મત મળતા પંચ સામે સવાલ ઉઠાવાયા
ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહે દલીલો રજૂ કરવાનું શરૂ કર્યું, ત્યારે કોર્ટે તેમને મીડિયા રિપોર્ટ્સ પર જવાબ માંગ્યો હતો કે કેરળમાં કરવામાં આવેલા મોક પોલમાં ચાર મશીનોમાંથી ભાજપને એક વધારાનો મત મળવાની વાત સામે આવી છે. જો કે ચૂંટણી પંચે કેરળના મોક પોલમાં ઈવીએમમાંથી ભાજપને કેટલાક વધુ મત મળવાના મીડિયા અહેવાલને ખોટા ગણાવ્યા છે.