Image: Facebook
IPL 2024: દિલ્હી કેપિટલ્સે બુધવારે IPL 2024ની 32મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 6 વિકેટથી હરાવ્યું. ડીસીના બોલર્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીટીને 17.3 ઓવરમાં 89 રન પર ઓલઆઉટ કરી દીધી. જવાબમાં દિલ્હીએ 8.9 ઓવરમાં સરળતાથી લક્ષ્ય મેળવી લીધું. ડીસીના કેપ્ટન અને વિકેટ કીપર ઋષભ પંતે 11 બોલમાં 16 રન બનાવ્યાં, જેમાં એક ચોગ્ગો અને એક સિક્સર સામેલ છે. પંતને પ્લેયર ઓફ મેચ એવોર્ડ આપવામાં આવ્યો. આ તેનો IPLમાં સાતમો પીઓટીએમ છે.
પંતને ગુજરાત સામે બેટિંગ માટે નહીં પરંતુ શાનદાર વિકેટકીપિંગ માટે પ્લેયર ઓફ મેચ પસંદ કરવામાં આવ્યો. તેણે વિકેટ પાછળ સ્ફૂર્તિ બતાવી અને ચાર ખેલાડીઓને પવેલિયન મોકલ્યા. તેમણે ડેવિડ મિલર (2), રાશિદ ખાન (31) નો કેચ પકડ્યો જ્યારે અભિનવ મનોહર (8) અને શાહરુખ ખાન (0) ને સ્ટમ્પ આઉટ કર્યો. પંતે જીટીને હરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. વિકેટકીપિંગ માટે સામાન્યરીતે પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર આપવામાં આવતો નથી.
પંતે એવોર્ડ જીત્યા બાદ કહ્યું, ‘ખુશ થવા લાયક ઘણી બાબતો છે. અમે ચેમ્પિયન માનસિકતા વિશે વાત કરી અને અમારી ટીમે આજે બતાવ્યું કે અમે તે રીતે રમી શકીએ છીએ. આ જોઈને ખરેખર ખુશી થઈ’. તેણે બોલિંગ વિશે કહ્યું, ‘સર્વશ્રેષ્ઠ પૈકીનું એક’. ટુર્નામેન્ટની શરૂઆત છે, વધુ કંઈ કહી શકાય નહીં કેમ કે અમે વ્યક્તિગત રીતે સુધારો કરી શકીએ છીએ. ‘મેદાન પર શ્રેષ્ઠ રીતે આવવા ઈચ્છતો હતો. જ્યારે હું સાજો થઈ રહ્યો હતો ત્યારે આ એકમાત્ર વિચાર હતો’.
દિલ્હીએ જીટીની સામે 67 બોલ બાકી રહેતા જીત નોંધાવી. આ બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ ડીસીની સૌથી મોટી જીત છે. IPL માં ઓવરઓલ સાતમો સૌથી મોટો વિજય છે. દિલ્હીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનનો ફાયદો થયો છે. ડીસી નવમાંથી છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. પંત બ્રિગેડે અત્યાર સુધી સાત મેચમાંથી ત્રણ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.