અમદાવાદ, બુધવાર
દહેજના દૂષણના કારણે વસ્ત્રાલમાં રહેતી મહિલાનો લગ્નના છ વર્ષમાં સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલાની માતાને એટેક આવતા તે સારવાર કરાવવા તથા સેવા ચાકરી કરવા માટે દવાખાને ગઇ હતી. માતાને રજા આપ્યા બાદ મહિલા પિયરમાં ગઇ તો સાસરીયા પાંચ મહિના સુધી તેડી ગયા ન હતા અને દાગીના તથા રોકડ લઇને આવે તો જ તેડી જવાની વાત કરતા હતા. જેથી આખરે કંટાળીને મહિલાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ખોટા કેસો કરી મહિલા અને તેના માતા પિતાને જેલમાં પુરાવાની ધમકી આપી દાગીના રોકડ લઇને આવે તો જ તેડી જઇશું
વસ્ત્રાલમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના છ વર્ષ પહેલા હિંમતનગર ખાતે કરવામાં આવ્યા હતા તેના મહિલાને દોઢ વર્ષ સુધી સારી રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ ઘર કામની બાબતે નાની નાની ભુલો કાઢીને માનસિક તેમજ શારિરીક રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. તકરાર કરીને ચાર વખત ઘરમાંથી કાઢી મૂકી હતી જો કે બાદમાં સમાધાન કરીને તેડી લાવ્યા હતા તેમ છતાં હેરાન ગતિ ચાલું હતી.
એટલું જ નહી ફરિયાદી સામે ખોટા કેસ કરીને તેને અને તેના માતા પિતાને જેલમાં પુરાવવાની ધમકી આપતા હતા મહિલાની માતાને હાર્ટ એટેક આવતાં પતિ બે દિવસ હોસ્પિટલમાં રાકાયો હતો સારવાર બાદ મહિલા માતાની સેવા ચાકરી કરવા પિયરમાં ગઇ હતી તો સાસરીયા પાંચ મહિના સુધી તેડી ગયા ન હતા અને દાગીના તથા રોકડ લઇને આવે તો જ તેડી જવાની વાત કરતા હતા. આ બનાવ અંગે ઇસ્ટ મહિલા પોલીસે સાસરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.