અમદાવાદ, બુધવાર
ચમનપુરા વિસ્તારમાં મંદિરની ધજાના ધાર્મિક કાર્યકમમાં શોભાયાત્રામાં ડી.જે.ના તાલે કેટલાક યુવકો ખુલ્લી તલવારો અને ચાકુ ફારવીને ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી શાહીબાગ પોલીસે ડી.જે.વગાડનાર, ધજાનો કાર્યક્રમ રાખનાર સહિત છ સામે ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરીને ડી.જે. ગાડી પણ કબજે કરી હતી.
વોઇસ પોલ્યુશન કાયદાનું ઉલંઘન કરાતા ડી.જે.વગાડનાર,ધજાનો કાર્યક્રમ રાખનાર સામે ફરિયાદ, ડી.જે. સાથે ગાડી કબ્જે કરી ચાર લોકોની ધરપકડ કરી
શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટરે જે.ડી.ઝાલાના જણાવ્યા મુજબ સ્ટેટ કંટ્રોલરૃમથી મેસેજ મળ્યો હતો કે, એક વીડિયો વાઇરલ થયો છે જેમાં કેટલાક લોકો પોતાના હાથમાં ચાકુ, તલવાર સાથે ડી.જે.ના તાલે નાચી રહ્યાં છે. જેથી શાહીબાગ પોલીસના સ્ટાફે તપાસ કરતા વીડિયો ચમનપુરા વિસ્તારનો છે જ અને ચાલીમાં આવેલ માતાજીના મંદિર ખાતે ધજા ચઢાવવાનો ધામક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ડી.જે. પણ હતું અને ડી.જે.માં કેટલાક યુવકોએ હાથમાં ખુલ્લી તલવાર સહિતના હથિયારો સાથે નાચતા હતા.
પોલીસે પૂછપરછ કરી વીડિયોમાં દેખાતા છ લોકો સામે શાહીબાગ પોલીસે જાહેરનામા ભંગ અને ભારત સરકાર ધ્વનિ પ્રદુષણ(નિયમન અને નિયંત્રણ) રૃલ્સ ૨૦૦૦ની કલમ ૫(૨) મુજબ ફરિયાદ નોંધી હતી. ઉપરાંત પોલીસે ડી.જે. જે ગાડીમાં વાગતું હતું તે ગાડી, સ્પીકર, એમ્પીલ ફાયર, તલવાર, છરો, ડી.જે.મિક્ષચર સહિતનો મુદ્દામલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.