વડોદરા, તા.17 વડોદરામાં આજે હોટેસ્ટ ડે નોંધાયો હતો. ગરમીનો પારો અચાનક વધીને ૪૩.૬ ડિગ્રી નોંધાતા શહેરીજનો ગરમીમાં રીતસર શેકાયા હતાં. ગરમ પવનોના કારણે બપોરના સમયે રોડ પર લોકોની પાંખી હાજરી દેખાતી હતી.

વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં ગરમીનો પારો છ ડિગ્રી વધી ગયો હતો. ગઇકાલે પ્રથમ વખત ગરમી ૪૨ ડિગ્રી નોંધાયા બાદ આજે ૧.૬ ડિગ્રી વધુ ગરમી વધતા હવામાન વિભાગમાં ૪૩.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત સૌથી વધારે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ગરમ પવનોના કારણે ગરમીનો પારો ઊંચો પહોંચ્યો હતો અને સખત ગરમીની અનુભૂતી શહેરીજનો દ્વારા થતી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ગરમીના આંક પર નજર રાખીએ તો છેલ્લા વર્ષ-૨૦૧૯માં ૪૪.૪ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૨માં ૪૩.૬ ડિગ્રી હતી. ગયા વર્ષે ગરમી ૪૦ ડિગ્રી સુધી હતી પરંતુ ૪૩ ડિગ્રી સુધી પારો પહોંચ્યો ન હતો. ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે નોધાતા સમગ્ર શહેર હીટવેવમાં લપેટાઇ ગયું હતું. શુક્રવાર અને શનિવાર સુધી આ ગરમીની અસર રહેશે ત્યારબાદ ૪૦ ડિગ્રી સુધી ગરમી જળવાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં  મહત્તમ ૧.૬ ડિગ્રી ગરમી વધીને આજે ૪૩.૬ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ ગરમીનો પારો ૧.૪ ડિગ્રી ઘટીને ૨૫ ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૪૨ અને સાંજે ૨૦ ટકા નોંધાયું હતું જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક ૮ કિલોમીટર હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *