મહેમદાવાદના નારણપુરા તાબે મોદજની ઘટના
જમીન બાબતે ઝઘડો કરી બે મહિલાઓ સહિત ચાર શખ્સોએ ગડદાપાટુનો માર મારી ધમકી આપી
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના નારણપુરા તાબે મોદજ રહેતા ઇસમે જમીન બાબતે ઝઘડો થતાં પોલીસમાં અરજી આપી હતી. જેની અદાવત રાખી બે મહિલાઓ સહિત ચાર ઈસમોએ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ તાલુકાના નારણપુરા તાબે મોદજમાં રહેતા ભાવનાબેન છત્રસિંહ ચૌહાણના પતિ છત્રસિંહ ચૌહાણે જમીનની બાબતમાં કનુભાઈ મંગાભાઈ ચૌહાણ સાથે ઝઘડો થતા મહેમદાવાદ પોલીસમાં અરજી આપી હતી. જેની તપાસમાં પોલીસ સામેવાળાના ઘરે આવી હતી. જેની અદાવત રાખી ગઈકાલે સાંજે ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે પડોશમાં રહેતા આનંદીબેન કનુભાઈ ચૌહાણ તથા સુમીબેન રણજીતભાઈ ડાભીએ ભાવનાબેનને ગમે તેમ અપશબ્દો બોલતા હતા. જેથી ભાવનાબેને બંને મહિલાઓને રોકતા આનંદીબેન કનુભાઈ ચૌહાણે કહેલું કે, તમોએ મંગાભાઈ પુંજાભાઈ તેમજ કનુભાઈ મંગાભાઈ ચૌહાણ સામે કેમ પોલીસમાં અરજી આપી હતી તેમ કહી ગમે તેમ બોલવા લાગ્યા હતા. જેથી ભાવનાબેને ગાળો બોલવાની ના પાડતાં આનંદીબેન તેમજ સુમીબેને ઝઘડો કરી ભાવનાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો.ભાવનાબેન છત્રસિંહ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આનંદીબેન કનુભાઈ ચૌહાણ, સુમીબેન રણજીતસિંહ ડાભી, મંગાભાઈ પુંજાભાઈ ચૌહાણ તેમજ કનુભાઈ મંગાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.