અમદાવાદ, બુધવાર
પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીના પગલે
હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની
જાહેરસભામા કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના
આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહવિભાગે
પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહી તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ
પ્રકારના જાહેરનામાં દ્વારા સત્તાવાર રીતે
બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં
આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણી
સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ સામાન્ય
રીતે બહાર પાડવામાં આવતા જાહેરનામાની માફક જ બહાર પડાયું છે. પરંતુ,ક્ષત્રિય
સમાજના દ્વારા ભાજપની સભા અને રેલીઓમાં કાળા વાવટા બતાવીને કરવામાં આવતા વિરોધને
પગલે જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહિ તે વાતનો વિશેષ
ઉલ્લેખ કરાયો છે. આ સાથે ઉશ્કેરણીજનક બેનર,
પ્લે કાર્ડ ન દર્શાવવા માટે અને કોઇ વિરોધ સુત્રોચ્ચાર ન કરવા માટે
જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્વ સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ કાર્યવાહી
કરવામાં આવશે. આ પ્રકારનું જાહેરનામુ માત્ર અમદાવાદ શહેર જ નહી પણ અમદાવાદ
ગ્રામ્ય અને તેમજ ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રૂપાલા સામે વિરોધમાં હવે ભાજપની સભાઓમાં યુવાનો કાળા વાવટા
ફરકાવીને મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. જેથી આ વિરોધને રોકવા જાહેરનામું ખાસ
સુચનાથી તૈયાર કરાયું છે.