Image : Twitter
Georgian Parliament Brawl : ભારત સહિત ઘણા દેશોની સંસદમાં રાજકીય મતભેદોના કારણે શાસક અને વિપક્ષી પાર્ટીના સાંસદો વચ્ચે ઉગ્ર તડાફડી થતી હોય છે. ક્યારેક ધક્કા મુક્કી અને ઝપાઝપી સુધી પણ વાત પહોંચતી હોય છે.
જોકે યુરોપના દેશ જ્યોર્જિયાની સંસદમાં તો સાંસદોએ તમામ મર્યાદાઓને નેવે મુકી દીધી હતી. સાંસદો છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા.
સંસદમાં વિવાદાસ્પદ વિદેશી એજન્ટ બિલ મંજૂરી માટે મુકવામા આવ્યુ હતુ. એમ પણ આ બિલને લઈને લોકોમાં ભારે રોષ છે. દેશમાં તેની સામે આંદોલન પણ ચાલી રહ્યુ છે. બિલના ટીકાકારો કહી રહ્યા છે કે, આ બિલ સંસદમાં લાવવા પાછળ રશિયાની ભૂમિકા છે. તેનાથી દેશની સંપ્રભુતા ખતરામાં પડી શકે છે.
આમ છતા જ્યોર્જિયાની સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યુ હતુ. સત્તાધારી પાર્ટીના નેતા મામુકા મદીનારાડજે આ બિલ પર વકતવ્ય આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીના સાંસદ અલેકો એલિસાશ્વિલી પોતાની જગ્યા પરથી ઉભા થયા હતા અને મામુકાના મોઢા પર મુક્કો મારી દીધો હતો. આ જોઈને સત્તાધારી પાર્ટીના સાંસદો દોડયા હતા અને મામુકાને બચાવ્યા હતા. એ પછી મામુકા સમર્થિત સાંસદોએ અલેકોની ધોલાઈ કરી નાંખી હતી. દેશના લોકોએ સાંસદોએ કરેલી મુક્કાબાજીના દ્રશ્યો જોયા હતા.
વિદેશી એજન્ટ બિલને પહેલા પણ સંસદમાંથી પસાર કરવાનો પ્રયત્ન સરકારે કર્યો હતો. તે સમયે પણ ભારે વિરોધના કારણે સરકારે બિલને ટાળી દીધુ હતુ. આ બિલ રશિયાના પક્ષમાં છે અને તેના કારણે યુરોપિયન યુનિયન તેમજ અમેરિકા સાથેના જ્યોર્જિયાના સબંધો વણસી શકે છે તેવુ ઘણાનુ માનવુ છે. તેના કારણે આ બિલની સામે દેશમાં વ્યાપક નારાજગી છે.