Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો સમય બાકી છે અને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધાનાણીએ પરશોત્તમ રૂપાલા નામ લીધા વગર જ પ્રંચડ પ્રહાર કર્યા છે.
ભાજપના નેતા સત્તાના મદમાં ભાન ભૂલ્યા : પરેશ ધાનાણી
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ટિકિટ રદ કરવાની માગ યથાવત રાખી છે. ત્યારે આજે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે અને બંધારણથી મળેલા દેશના લોકોના અધિકારને અંહકારની એડીએ કચડી રહ્યા છે. આથી રાજકોટના લોકો સત્તામાં બેઠેલા લોકોનો અંહકારને ઓગાળશે.
ધાનાણીએ નામ લીધા વગર જ રૂપાલા પર કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતાએ વધુમાં ક્હ્યું કે રાજકોટને ઈરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર રૂપાલાના નામ લીધી વગર જ પરેશ ધાનાણીએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર અને સંભવિત અને ભાવી પ્રતિસ્પર્ધી, પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે અને લોકો એવું માને છે કે સારા વાચક પણ હશે. તો હું નથી માનતો કે તેનાથી આવી ભૂલ થાય. આ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય છે.
ગાંધીનું ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું: કોંગ્રેસ ઉમેદવાર
આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ભૂ-માફિયા, મિલ્કમ માફિયા, જમીન માફિયા, ખનિજ માફિયા, શિક્ષણ માફિયા અને દારુ માફિયા બાદ હવે ગાંધીનું ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું છે. ત્યારે ગુજરાતની આવતી પેઢીને શાસકો ક્યાં ધકલવા માગે છે એ દરેકના મનમા સવાલ થઈ રહ્યો છે. આ ઉપરાંત ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના લાખો લોકોને નોકરી નથી મળતી, ખેડૂતોની આવક દિવસે ને દિવસે ઘટતી જાય છે.