Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે આ વખતે ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી રહી છે. ભાજપે હજી સુધી રાયબરેલીથી કોઈને ટિકિટ નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપના વ્યૂહરચનાકારો આ બેઠક પર ઉત્તર પ્રદેશ સિવાય કોઈપણ અન્ય રાજ્યના મોટા નેતાને મેદાનમાં ઉતારી શકે છે. ગયા અઠવાડિયે યોજાયેલી ભાજપની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠક પર કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.
રાયબરેલી બેઠક જીતવા માટે ભાજપે ઘડી વ્યૂહરચના
ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જે રીતે અમેઠી બેઠક જીતી હતી, આ વખતે રાયબરેલી બેઠક જીતવા માટે ભાજપ એ જ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ભાજપે આ બેઠક પર મજબૂત ઉમેદવાર ઊભો રાખવાની સાથે મજબૂતીથી ચૂંટણી લડવા માટે તમામ સમીકરણો પણ ગોઠવી દીધા છે.
ભાજપ ડમી ઉમેદવાર ઊભા નહીં કરે
સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ દ્વાર રાયબરેલી લોકસભા બેઠક જીતવાના તમામ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. આમાં ભાજપ સ્થાનિક ઉમેદવારના દૃષ્ટિકોણથી પણ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ જો જરૂર પડશે તો ભાજપ કોઈપણ રાજ્યમાંથી પોતાના પક્ષના કોઈપણ મોટા નેતાને રાયબરેલીમાં ઉતારી શકે છે. ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ ડમી ઉમેદવાર અથવા નબળા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે નહીં.
19મી એપ્રિલ પછી ઉમેદવારોની જાહેરાત કરી શકે છે
ભાજપે રાયબરેલી બેઠક માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. હજુ પણ જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે. ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે ટૂંક સમયમાં ભાજપ રાયબરેલી અને કૈસરગંજમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ રાયબરેલી અને અમેઠીની બેઠકો માટે પણ ખૂબ જ વિચાર વિમર્શ કરીને ઉમેદવારોની પસંદગી કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે ગાંધી પરિવારનો વારસો ગણાતી ઉત્તર પ્રદેશની આ બે બેઠકો પરનો ચૂંટણી જંગ રસપ્રદ રહેશે. 19મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન બાદ બંને પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.