બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી
મહિલા સાથે વાત કરવાની બાબતની તકરારમાં એક જ કોમના બે પક્ષો બાખડી પડયા
આણંદ: આણંદ જિલ્લાના પેટલાદ શહેરની નૂરી મસ્જિદ નજીક ગત રોજ રાત્રીના સુમારે એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પેટલાદના રીફાકતઅલી રીયાસતઅલી સૈયદ ગઈકાલ રાત્રીના સુમારે નૂરી મસ્જિદ નજીક મોટરસાયકલ ઉભું રાખીને મોબાઈલ પર વાત કરતા હતા. ત્યારે સાહીદઅલી ઉર્ફે સયા ઝાકીરઅલી સૈયદ અને તેનો ભાઈ જાઈદઅલી ઉર્ફે જાવા રીક્ષા લઈને આવી પહોંચ્યા હતા. અને બાઈક આગળ ઉભી રાખતા રીફાકતઅલી નીચે પડી ગયા હતા અને ઈજાઓ થઈ હતી. જેથી રીફાકતઅલીએ રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા સાહીદઅલીએ તું મહિલા સાથે ફોન પર કેમ વાતો કરે છે તેમ કહી બોલાચાલી કરી હતી.
બાદમાં તે પોલીસ મથકે ફરીયાદ કરવા નીકળી ગયો હતો. દરમ્યાન બંને ભાઈઓએનું ઉપરાણું લઈ નગીન રહીમખાન પઠાણ, આસીમખાન ઉર્ફે ચકો સગીરખાન પઠાણ અને મોઈન પઠાણ લાકડીઓ લઈને રીફાકતઅલીના ઘરે પહોંચ્યા હતા અને તેની બહેનોને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડામાં ઈઝહાર વચ્ચે પડતા તેને લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સામા પક્ષે જાઈદઅલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ રીફાકતઅલી સૈયદ, રીયાસતઅલી સૈયદ અને ઈરફાન સૈયદે જૂના ઝઘડાની રીસ રાખી ગમે તેમ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. રીયાસત અલી અને ઈરફાને લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.