મુંબઇ, ભુજ તા.૧૬

મુંબઈના બાન્દ્રા ખાતેનાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે પરોઢે ફાયરિંગ કરીને ફરાર થયેલા બે શૂટરને કચ્છના યાત્રાધામ માતાના મઢ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમ અને કચ્છ પશ્ચિમ એલસીબી પોલીસે ગઇકાલે અડધી રાતે  જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ‘દબંગ’  અભિનેતા સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા બે શૂટરને કચ્છમાં માતાના મઢથી ઝડપી લીધા હતા. મુંબઇ પોલીસે ૩૬ કલાકમાં જ  બંને શૂટર્સનું પગેરું  મેળવી ધરપકડ કરી લીધી છે. તેમની ઓળખ બિહારના ૨૪ વર્ષીય વિકી ગુપ્તા તથા ૨૧ વર્ષીય સાગર પાલ તરીકે થઈ છે.   પોલીસને ગેરમાર્ગે દોરવા અને ધરપકડથી બચવા બંને આરોપીએ ઘણા પ્રયાસ કર્યા હતા. તેમણે બાંદરાથી બોરીવલી જઇ ટેક્સી કરી ગુજરાત બોર્ડર પહોંચ્યા, સુરતથી ભુજની બસ પકડી હતી. આસિવાય માથા પરથી વાળ કાઢી નાખ્યા દાઢી કરી દીધી હતી. પોલીસ મુંબઇમાં શોધખોળ કરતી રહેશે અને કચ્છમાં ગયો હોવાની કોઇને જાણ થશે નહિં એવું માનીને માતાના મઢનું લોકેશન પસંદ કર્યું હોવાનું કહેવાય  છે. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર પોલીસ  ઇન્સ્પેકટર દયા નાયકે ‘ગુજરાત સમાચાર’ને  સલમાનખાનના ઘર ઉપર ગોળીબાર બાદ આ બંને આરોપીના રુટ તથા કચ્છમાંથી તેમનું પગેરું મેળવી ધરપકડ સહિતની વિગતો આપતાં  જણાવ્યું કે, ગોળીબાર બાદ બંને નજીકમાં જ આવેલાં માઉન્ટ મેરી ચર્ચ નજીક  બાઇક છોડી દીધી હતી. ત્યાંથી રિક્ષા પકડીને તેઓ બાંદરા રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી  તેમણે બોરિવલી જતી લોકલ ટ્રેન પકડી હતી પરંતુ ટ્રેનમાં નજીકનાં જ સાંતાક્રુઝ સ્ટેશને  ઉતર્યા હતા. પછી ચાલીને વાકોલા સુધી ચાલતા ગયા હતા  અને  રિક્ષામાં બોરીવલી પહોંચ્યા હતા. બોરીવલીથી  સુરત જવા માટે એક ટેક્સીમાં બેસી ગયા હતા. જોકે, ટેક્સી ડ્રાઇવરે તેની પાસે આંતરરાજ્ય પરમીટ  ન હોવાથી ગુજરાત બોર્ડ પહેલાં જ  ચારોટી પાસે બંનેને નીચે ઉતારી દીધા હતા. ત્યાંથી ગુપ્તા અને પાલ ટ્રકમાં સુરત આવ્યા હતા. તેઓ સુરત સ્ટેશન પર ગયા હતા પણ ટ્રેન મળી નહોતી. આથી બસ પકડીને આરોપીઓ ભુજ પહોંચી ગયા હતા. ત્યાંથી માતાના મઢ પહોંચી મદિંર પરિસરમાં સામાન્ય યાત્રાળુ હોય તે રીતે આરામ કરી રહ્યાં હતાં. આ સમયે જ મુંબઈ અને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બન્નેને ઝડપી લીધા હતા. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. માતાના મઢે ભક્તોની ભીડ હોય છે. પોલીસની કાર્યવાહી દરમિયાન  આરોપીઓ વિરોધ અને ગોળીબાર કરે એવી શક્યતા હતી. આમ બંનેને ઝડપી લેવા પોલીસે જરૃરી સાવચેતી રાખી હતી.કદાચ તેઓ પ્રતિકાર કરે અને ફાયરિંગ કરી બેસે તો તે વખતે ભારે ધમાલ મચી જાય તેમ હતી.  આથી મુબઈ અને પશ્ચિમ કચ્છ પોલીસે સતર્કતાપૂર્વક ઓપરેશન કર્યું હતું.

ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ બંનેએ પ્રવાસ દરમિયાન સુરત પાસે નદીમાં ફેંકી દીધી હોવાનું કહેવાય છે. પોલીસથી ઓળખ છુપાવવા બંનેએ કચ્છ પહોંચીને માથાના વાળ કપાવ્યા, દાઢી કરાવી લીધી હોવાનું કહેવાય છે. આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. પોલીસ તેમને પકડવા બિહાર જઇ શકે છે એવું માનીને તેઓ પોતાના ઘરે ગયા નહોતા.  તેને બદલે કચ્છના અંતરિયાળ વિસ્તારમાં શોધવાનો પોલીસને આઇડિયા જ નહીં આવે તેવું લાગતાં થોડા દિવસ પોલીસથી બચવા માતાના મઢ પહોંચી ગયા હતા. 

પશ્ચિમ કચ્છના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર ઓફ જનરલ મહેન્દ્ર બગડિયાએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ બંને શૂટર્સને સલમાનના ઘરે ગોળીબાર કરવા માટે સોપારી અપાઈ હતી. શૂટર ગુપ્તા અને પાલને પકડીને કચ્છના દયા પર પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ લઇ જઇ વિમાનમાં મુંબઇ લાવવામાં આવ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત હતો. પોલીસે બંનેને કોર્ટમાં હાજર  કરતાં પચ્ચીસમી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેકશનઃ અગાઉ મુંદ્રાથી પણ ત્રણ સાગરિતો પકડાયા હતા

મુસેવાલા મર્ડર કેસના આરોપી લોરેન બીશ્નોઇનું કચ્છના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં નામ ખુલ્યું હતું. તો, બીશ્નોઇ ગેંગના ત્રણ સભ્યો ૨૦૨૩માં સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા. જેમાં ત્રણ પૈકી એક કચ્છ પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના ગામના હોવાનું બહાર આવ્યું હતું. તો, ૨૦૨૨માં બીશ્નોઇ ગેંગના ત્રણ સભ્યો મુંદરામાં ભાડાના મકાનમાં રહેતા ઝડપાયા હતા. આમ ડ્રગ્સ માફિયા લોરેન બીશ્નોઇ ગેંગનું કચ્છ કનેકશન વારંવાર સામે આવતાં પોલીસે તપાસ કરવી જરૃરી બની છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *