– ઇરાન કહે છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ પૂર્ણત: શાંતિમય હેતુ માટે છે પશ્ચિમને ખાતરી છે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવા મથી રહ્યું છે

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઇએ)ના ડાયરેકટર જનરલ રાફેલ ગ્રોફીએ કહ્યું છે કે, ઇઝરાયલ ઇરાનના એટમિક રીએકટર્સ ઉપર હુમલો કરી શકે તેમ છે. સંભાવનાથી યુનો અત્યારે ઘણુ જ સચિંત બની ગયું છે. કારણ કે ઇરાનના એટમિક રીએકટર્સ ક્રીટીકલ બની ગયાં છે. તે તૂટે તો તેમાંથી પ્રસરતા વિકિરણ વિશાળ વિસ્તારમાં જીવન-માત્ર (માનવ, પશુ, પ્રાણી અને વનસ્પતિ)ને ખતમ કરી નાખે તેમ છે.

બીજી તરફ આઈએઈએ દ્વારા જાહેર કરાયું છે કે તે ઇરાનનાં ન્યૂક્લિયર રીએકટર્સની તપાસ આજ (મંગળવાર)થી શરુ કરવાનું છે.

તે સર્વવિદિત છે કે ઇઝરાયલના લશ્કરી વડાએ તો જાહેર કરી જ દીધું છે કે ઇરાને કરેલા વીક એન્ડ મિસાઈલ્સ અને ડ્રોન હુમલાનો ઇઝરાયલ કટ્ટર જવાબ આપશે જ. જો કે, તે માટે તેમણે કોઈ ચોક્કસ સમય રેખા દર્શાવી નથી પરંતુ વિશ્લેષકો કહે છે કે તે માત્ર ગણતરીના જ દિવસોમાં શરૂ થઈ જશે. તે માટે ઇઝરાયલે તેનાં યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે. (તા. ૧ એપ્રિલે ઇરાનની દમાસ્કસ સ્થિત એમ્બસી પર ઇઝરાયલે કરેલા વિમાની હુમલામાં ઇરાનના બે લેફટે. જનરલ સહિત કુલ ૭ લશ્કરી અધિકારીઓના મૃત્યુ થયા હતા. તેનું વેર વાળવા ઇરાને ઇઝરાયલ ઉપર ડ્રોન-વિમાનો અને મિસાઈલ્સથી હુમલો કર્યો હતો, તે સર્વવિદિત છે.)

ઇઝરાયલ ઇરાનનાં પરમાણુ સંયંત્રો ઉપર હુમલો કરી નાખે તે સંભાવનાથી સૌ કોઈના જીવ ઊંચા થઈ ગયા છે.

ન્યૂયોર્કમાં પત્રકારોને સોમવારે કરેલા સંબોધનમાં ગ્રોસીએ કહ્યું હતું કે, વાસ્તવમાં પરિસ્થિતિ સંપૂર્ણ શાંત બને પછી આવતીકાલથી અમે અમારી કાર્યવાહી શરૂ કરી દેશું.

ઇઝરાયલ ઇરાનનાં પરમાણુ સંયંત્રો ઉપર હુમલો કરે તેવી શક્યતા વિષે આપને શું કહેવાનું છે ? તેવા પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ગ્રોસીએ કહ્યું હતું કે, અમને તે સંભાવનાની સતત ચિંતા રહેલી છે. અમારૃં તો કહેવું છે કે સૌ કોઈએ અસામાન્ય સંયમ જાળવવાની જરૂર છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિયમન સંસ્થા તેના મધ્ય ઇરાનમાં આવેલા નટનાઝ-એન્સ્પિએન્ટ પ્લાન્ટની નિયમિત મુલાકાત લે છે.

ઇરાન કહે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુ માટે જ છે. પરંતુ પશ્ચિમનાં જગત સહિત કોઈ દેશ ઇરાનનું તે કથન સ્વીકારી શકે તેમ નથી. પશ્ચિમને ખાતરી છે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવા મથી રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *