અમદાવાદ,મંગળવાર
ઓઢવમાં રહેતી મહિલાએ ગર્ભાવસ્થા સમયે તેની બહેનને ઘર કામમાં મદદ માટે બોલાવી હતી. ત્યારે પતિ સાળીના પ્રેમ પડયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર શરુ થઇ હતી એટલું જ નહી સાત મહિના પહેલા પત્નીને મારઝૂડ કરતીને સંંતાનો સાથે પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી અને સાળીને છોડવાનો નથી કહી છૂટાછેડા માટે દબાણ કરતો હતો. બીજીતરફ સાસરીયા પણ પાંચ લાખની માંગણી કરીને પરિણીતાને હેરાન કરતા હતા. આખરે કંટાળીને પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નાંેધાવી છે.
પતિએ હું તારી બહેનને છોડવાનો નથી તું છૂટાછેડા આપી દે કહી સાત મહિના પહેલાં મારઝૂડ કરી પહેરેલ કપડે સંતાનો સાથે તગેડી મૂકી
મણિનગરમાં રહેતી ૩૦ વર્ષની મહિલાના નવ વર્ષ પહેલા ઓઢવમાં સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના ચાર માસ બાદ સાસુ સસરાએ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. પતિ પણ પત્ની સાથે તકરાર કરતો હતો અને સિલાઇ કામના રૃપિયા આવતા તે ઘર ખચમાં મહિલા વાપરતી હતી. જ્યારે મહિલા ગર્ભવતી બની ત્યારે તેણે તેની નાની બહેનને ઘરકામમાં મદદ કરવા માટે બોલાવી હતી. ત્યારે અચાનક જ પતિના સ્વભાવ અને વર્તનમાં બદલાવ આવ્યો હતો પત્ની સાથે સારી રીતે વાતચીત કરતો ન હતો જ્યારે સાળી સાથે વધુ સમય વાતો કર્યા કરતો હતો.
મહિલાની બહેન અને પતિ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ અને પતિનું બહેન સાથેનું પ્રેમ પ્રકરણ પકડાઇ જતા તેણે સાળી સાથે સંબંધ ન રાખવાની બાંહધરી આપી હતી તેમ છતાં પણ પ્રેમ પ્રકરણ ચાલું હતું. જેથી પતિને આ બાબતે વાત કરતા તેણે સાળીને તો નહી જ છોડુ અને તું છુટાછેડા આપી દે તેવું કહીને પત્ની સાથે તકરાર કરી હતી એટલું જ નહી માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે ઇસ્ટ મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.