Image Twitter
Salman Khan House Firing Update : મુંબઈમાં પોતાના ઘર નજીક ફાયરિંગ બાદ સલમાન ખાન પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો છે. આજે 16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. જેની તસવીર સામે આવી છે. જેમાં તેને વાતચીત કરતો જોઈ શકાય છે. સલમાન ખાન અને એકનાથ શિંદેની સાથે અભિનેતાના પિતા સલીમ ખાન પણ જોવા મળી રહ્યા છે.
સલમાનને મળ્યા એકનાથ શિંદે
મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી શિંદેએ સલમાન ખાન અને તેના પરિવાર સાથે થોડો સમય વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અભિનેતાને ખાતરી આપતાં કહ્યું કે, સલમાન સાથે તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં કોઈપણ પ્રકારની અંડરવર્લ્ડની એક્ટિવિટીને સહન નહીં કરે. ભલે ને પછી તે બિશ્નોઈ ગેંગ જ કેમ ન હોય. અહીં કોઈની દાદાગીરી ચાલશે નહીં.
સલમાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીઓ પકડાયા
ગત 14 એપ્રિલને રવિવારની વહેલી સવારે આશરે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે. હવે આ બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો
બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આ પહેલા પણ મળી હતી. ધમકીઓ બાદ સલમાન ખાન ખૂબ જ કડક સુરક્ષા હેઠળ જીવી રહ્યો છે. પરંતુ ભારે સુરક્ષા હોવા છતાં ગઈ તા. 14 એપ્રિલને રવિવારની વહેલી સવારે આશરે 5 વાગ્યે બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. જો કે , હાલમાં આ બંને શૂટરોને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યા છે.