Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી નજીક આવતા જ હિન્દુ પ્રત્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)નો પ્રેમ ઉભરાઈ ગયો છે. એક સમયે શ્રીરામના નારાથી ભડકી જતા મુખ્યમંત્રીએ હવે આવતીકાલે રામનવમીના તહેવારો રાજ્યમાં જાહેર રજા (Ram Navami Public Holiday) રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધી દુર્ગા પૂજા, કાળી પૂજા અને સરસ્વતી પૂજા જેવા તહેવારોમાં જાહેર રજાઓ રહેતી હતી અને રામનવમીના દિવસે તમામ સરકારી સંસ્થાઓ, સ્કૂલો-કોલેજો ચાલુ રહેતા હતા. જોકે હવે રામનવમીના દિવસે રાજ્યમાં જાહેર રજા રહેશે, તેથી પ્રથમવાર રાજ્યમાં રામનવમીના દિવસે તમામ સરકારી કાર્યાલયો અને સ્કૂલો-કોલેજો બંધ રહેશે. 

શ્રીરામના નારા સાંભળી ભડકી જતા હતા મમતા

મમતા બેનરજી અગાઉ જય શ્રીરામના નારા સાંભળી ભડકી જતા હતા. ઘણીવાર એવું પણ બન્યું છે કે, જ્યારે મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં હોય કે પછી ક્યાંક કાફલો લઈને નિકળ્યા હોય અને કેટલાક લોકો જયશ્રી રામના નારા લગાવતા તો તેઓ સૂત્રોચ્ચાર કરનારાઓના ક્લાસ લઈ લેતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં જાહેરમાં દુર્ગા સ્ત્રોતનો પાઠ કરીને પોતે હિન્દુઓના પાક્કા સમર્થક હોવાનું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી બદલાઈ ગયા છે અને હિન્દુ મતદારો તરફ વળ્યા છે. આ દરમિયાન તેમણે હિન્દુ મતદારોને રિઝવવા ઘણા મહત્વના નિર્ણયો પણ લીધા છે.

1…બંગાળમાં રામ મંદિરની અસર, મમતા સતર્ક

ભાજપ બંગાળમાં સતત મજબૂત થતાં મમતા બેનરજી સતર્ક થઈ ગયા છે. ગત લોકસભા ચૂંટણી અને ત્રણ વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વધુ બેઠકો મેળવી હતી. આ જ કારણે મમતા બેનરજી શ્રી રામના નારા પ્રત્યે નારાજગી દેખાડી રહ્યા નથી. આ ઉપરાંત અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયા બાદ ભારતીયોમાં છવાયેલી ખુશીની અસર પણ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. સીએસડીએસના સર્વે મુજ દેશની લગભગ 22 ટકા જનતાનું માનવું છે કે, ભાજપે રામમંદિરનું નિર્માણ કરાવી બહું મોટું કામ કર્યું છે. વિપક્ષે રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં ભાગ ન લઈને ભુલ કરી હતી અને તેમાં મમતા બેનરજી પણ સામેલ હતા અને આ કારણે ઘણા હિન્દુઓ નારાજ થયા હતા. ત્યારે હવે મમતા બેનરજીને લાગી રહ્યું છે કે, રામ નવમીના તહેવારે રજા જાહેર કરવાથી સ્થિતિને કંટ્રોલ કરી શકાશે.

2…CAAને કારણે હિન્દુ મતોનું ધ્રુવીકરણ

કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે સીએએનો કાયદો લાગુ કરીને પોતાનો ઇરાદો મજબૂત કરી દીધો હતો. જોકે મમતા બેનર્જી CAAનો વિરોધ કરતા બોલ્યા હતા કે, અમારા રાજ્યમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. સ્વાભાવિક રીતે ભાજપ પણ એવું જ ઇચ્છતું હશે. મમતા બેનર્જી સીએએનો જેટલો વિરોધ કરે છે, તેટલી જ ભાજપની તરફેણમાં હિન્દુ મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના છે.

બીજી તરફ સંદેશખાલીમાં કંઈક એવું થયું જેના કારણે મમતા બેનર્જીની છબી હિન્દુ વિરોધી બની ગઈ. આ ઉપરાંત ભાજપે બંગાળમાં CAA કાયદો લાગુ કરવાનું ચૂંટણી વચન પણ આપ્યું છે. બંગાળમાં CAAનો સૌથી મોટો ફાયદો મટુઆ અને રાજવંશી સમુદાયને થયો છે. બંગાળના રાજકારણમાં એવું કહેવાય છે કે જ્યાં પણ મતુઆ સમુદાયના મતો જાય છે, તે પક્ષનું પલળુ ભારે થઈ જાય છે. રાજ્યમાં મટુઆ સમુદાયના લગભગ 1.80 કરોડ મતદારો છે અને તેમણે ગત વખતે તૃણમૂલનો ખેલ બગાડી નાખ્યો હતો. મતુઆની જેમ રાજવંશીઓ પણ હિન્દુ છે, તેથી આ બંને સમુદાયના કારણે ભાજપને લગભગ 10થી 12 બેઠકો મળવાની સંભાવના છે. તૃણમૂલ ઈચ્છે છે કે, ભાજપને આ બેઠકો જીતવાથી અટકાવવામાં આવે. આ જ કારણે બેનરજીની બોલી બદલાઈ ગઈ છે.

3…સંદેશખાલીની ઘટનાઓથી હિન્દુઓ નારાજ

સંદેશખાલી ઘટના સામે આવ્યા બાદ બંગાળ સરકારે આદિવાસી મહિલાઓનું શોષણ કર્યું હોવાનો અને તેમની જમીન હડપ કરી હોવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, મમતા બેનરજીએ પાછલા દરવાજેથી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખનો બચાવ કરતા હિન્દુઓમાં નારાજગી વધી છે. ભાજપ પહેલાથી જ તૃણમૂલ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવી રહી છે. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તૃણમૂલની ઘણી ફજેતી થઈ હતી. કદાચ આ જ કારણ છે કે મમતા બેનર્જી હિન્દુ મતદારોને મનાવવા આવા કેટલાક નિર્ણયો લઈ રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જી કટ્ટર હિન્દુત્વ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેનો જવાબ તેમણે સોફ્ટ હિંદુત્વ એક્શનથી આપ્યો હતો.

4…મમતાએ હિન્દુ મતદારોને રિઝવવા અન્ય ઘણા નિર્ણયો લીધા

ભાજપના કટ્ટર હિંદુત્વના આક્ષેપનો સામનો કરવા મમતા સરકારે રામનવમી પર રજા તો જાહેર કરી જ છે, આ ઉપરાંત અન્ય ઘણાં નિર્ણયો પણ લીધા છે. બંગાળમાં હવે સરકારી ખર્ચે મંદિરોનું નિર્માણ કે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. દુર્ગા સમિતિઓને નવરાત્રી દરમિયાનના કાર્યક્રમો માટે સરકાર તરફથી નાણાં અપાયા છે. બંગાળના નવા દિઘા રેલવે સ્ટેશન પાસે 143 કરોડ રૂપિયાની સરકારી સહાયથી જગન્નાથ ધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મમતા બેનર્જી બંગાળની જનતાને બતાવવા માંગે છે કે, ભાજપનો હિન્દુત્વ પ્રેમ વાસ્તવિક નથી અને ભાજપ જગન્નાથ મંદિરની આકરી ટીકા કરી રહ્યું છે કે કરદાતાઓના પૈસા આ રીતે વેડફવા જોઈએ નહીં.

5…કોંગ્રેસ અને ડાબેરીઓનું પણ દબાણ

રાજ્યમાં મમતા બેનરજી વિરુદ્ધ માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ અને ડાબેરીઓ પણ લડી લેવાના મૂડમાં છે. આ વખતે રાજ્યમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળી ચૂંટણી લડવાના હોવાથી મમતાને મતોનું નુકસાન થઈ શકે છે. આ કારણે તેઓ ભાજપના મતોમાં સેંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હવે તેઓ રામનવમી પર્વે રજા જાહેર કરી શ્રીરામના શરણે આવી ગયા છે. બીજી મહત્વની વાત એ છે કે, મમતાએ માત્ર હિન્દુઓને જ નહીં મુસ્લિમ મતદારોને રિઝવવા પણ ઘણા નિર્ણય લીધા છે. તેમણે સરકારી તિજોરીમાંથી ઇમામ, મુઅજ્જિનને નાણાં આપવાની જાહેરાત કર્યા બાદ પંડિત-પૂજારીઓને પણ પગાર આપવાની જાહેરાત કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *